રાજકોટ શહેર-જિલ્લામાં આજે કોરોનાથી 11ના મૃત્યુ
રાજકોટ: રાજયમાં કોરોનાના નવા કેસની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે રહેલા રાજકોટ શહેર અને જિલ્લામાં આજે સારવાર દરમ્યાન વધુ 11 કોરોના દર્દીના મૃત્યુ થયા છે. ગઇકાલના પ્રમાણમાં આજે મૃત્યુ આંકમાં સામાન્ય ઘટાડો થયો છે.
રાજકોટ શહેર અને જિલ્લાની સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં આજે સવારે 8 વાગ્યા સુધીમાં 11 દર્દીના મૃત્યુ નોંધાયા છે. તો ગઇકાલે જાહેર થયેલા 15 મૃત્યુનું ઓડિટ કરવામાં આવતા તે પૈકી માત્ર એક વ્યકિતનું કોવિડના કારણે મોત થયાનું ડેથ ઓડિટ કમીટીએ જણાવ્યું છે.
શહેર-જિલ્લામાં કોરોનાના નવા કેસની સરેરાશ દોઢસો આસપાસ જ રહે છે. તો લોકોની જાગૃતિ અને સરકારી તંત્રની વ્યવસ્થાથી મૃત્યુઆંક નિયંત્રણમાં લેવામાં થોડે અંશે સફળતા મળી રહી હોવાનું આરોગ્ય તંત્ર કહે છે. આ કારણે શહેર અને જિલ્લાની સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં ખાલી-ઉપલબ્ધ બેડની સંખ્યા 1507 પર પહોંચી છે.