Placeholder canvas

ધો.1 થી 9 તથા 11માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન: ધો.10-12 પરીક્ષા મુલતવી

કેન્દ્રીય બોર્ડની પરીક્ષાઓ મોકુફ થતા હવે રાજયએ પણ નિર્ણય લીધો : મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબીનેટનો નિર્ણય: કોરોના સ્થિતિમાં પરીક્ષાઓ હાલ યોજવી શકય નથી: લાખો વિદ્યાર્થીઓને હવે સત્તાવાર વેકેશન : ધો.10-12 બોર્ડ પરીક્ષાની નવી તારીખ અંગે મે માસના મધ્યમાં નિર્ણય: વિદ્યાર્થીઓને 15 દિવસનો સમય અપાશે: કોલેજ પરીક્ષાઓ અંગે હજું વિચારણા

ગુજરાતમાં સતત વધતા જતા કોરોનાના કારણે સમગ્ર વર્ષ શિક્ષણકાર્ય ઓનલાઈન અને ઓફલાઈન વચ્ચે ફંગોળાયા બાદ આજે રાજયની કબીનેટે ધો.1થી9 તથા ધો.11માં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.

જયારે ધો.10 તથા ધો.12ની જે બોર્ડ પરીક્ષાઓ લેવામાં આવે છે તે આગામી માસમાં શરૂ થવાની હતી તે સ્થગીત કરવામાં આવી છે. આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજય કેબીનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ધો.1થી9 તથા ધો.11ની પરીક્ષા સ્થાનિક સ્તરે લેવાય છે જે હવે લેવાશે નહી અને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.

આમ હવે લાખો વિદ્યાર્થીઓને હવે રાહત થશે અને કોરોના સંક્રમણમાં પૂર્ણ સલામતી જાહેર થયા બાદ નવુ શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવશે. રાજય સરકારે કારકિર્દી માટે મહત્વની ધો.10-12ની બોર્ડ પરીક્ષા જે આગામી તા.10 મેથી 25 મે સુધી યોજાવાની હતી તે હાલ સ્થગીત કરી છે અને તેની નવી તારીખ તા.15 મે ના સ્થિતિની સમીક્ષા કરીને નિર્ણય લેવાશે.

તથા નવી તારીખો જાહેર કરતા પૂર્વે ઓછામાં ઓછા 15 દિવસનો સમય પરીક્ષા તારીખ વચ્ચે રખાશે જેથી વિદ્યાર્થીઓને તૈયારી કરવાનો સમય મળી રહેશે. રાજયમાં આ નિર્ણયથી હવે શૈક્ષણિક રીતે આગામી બે માસ સુધી કોઈ શૈક્ષણિક કામગીરી થશે નહી. જો કે કોલેજોની પરીક્ષાઓ અંગે હજુ રાજય સરકારે કોઈ નિર્ણય લીધો નથી. હાલ આ તમામ પરીક્ષાઓ સ્થગીત છે. હજુ ગઈકાલ જ સીબીએસઈની પરીક્ષાઓ મોકુફ રખાઈ હતી તે બાદ રાજય સરકારનો આ નિર્ણય અપેક્ષિત જ હતો.

આ સમાચારને શેર કરો