Placeholder canvas

ટંકારા ઓવરબ્રીજમાં ટેન્કર લટકી પડ્યું : ડ્રાઇવરનો માંડ માંડ જીવ બચ્યો

રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા લતીપર ચોકડીએ ઓવરબ્રીજ આફત બન્યો

By જયેશ ભટાસણા – ટંકારા
ટંકારા : રાજકોટ-મોરબી હાઇવે ઉપર ટંકારા લતીપર ચોકડીએ ઓવરબ્રીજ ઉપર ટેન્કર આજે બુરી રીતે ફસાયું હતું અને ઓવરબ્રીજ પર ટેન્કર લટકી જતા આ ઘટના નજરે જોનારા લોકોના ઘડીભર શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જો કે આ ઘટનામાં ટેન્કર ચાલકનો જીવ માંડ માંડ બચ્યો હતો.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા લતીપર ચોકડી પર આવેલા ઓવરબ્રીજમાં આજે એક ટેન્કર પસાર થઈ રહ્યું હતું.ત્યારે ઓચિંતા જ કોઈ કારણોસર કાબુ ગુમાવતા ટેન્કર ઓવરબ્રીજ ઉપર ફસાઈ ગયું હતું.જેમાં ઓવરબ્રીજ ઉપર ટેન્કરનો અડધો ભાગ બહાર નીકળી ગયો હતો અને ટેન્કરનો આગળનો ભાગ ઓવરબ્રીજની બહાર લટકતો હોવાથી આ ઘટના જોનાર લોકોના જીવ પડીકે બંધાયા હતા. ઓવરબ્રીજ ઉપર લટકેલા ટેન્કરમાં ડ્રાઇવર અંદર જ હોય મુશ્કેલી મુકાઈ ગયો હતો.બાદમાં માંડ માંડ સલામત રીતે ટેન્કરમાંથી ડ્રાઇવર બહાર નીકળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મિતાણા ઓવરબ્રીજના નવનિર્માણ કામમાં જવાબદારોની ઘોર બેદરકારીને કારણે આ ઘટના બની હતી.જેમાં રવિવારે મોટું બોઇલર ઓવરબ્રીજ ઉપરથી નીચે પટકાયા બાદ આજે ટેન્કર લટકી ગયું હતું. જો કે સદનસીબે જાનહાની થઈ ન હતી પણ કલાકો સુધી ટ્રાફિકજામ થઈ ગયો હતો.

આ સમાચારને શેર કરો