Placeholder canvas

પ્રિ-મોન્સુન માહોલ: કાલથી બફારો વધવાની અને છાંટાછુટી થવાની શકયતા

ભારતમાં નૈઋત્ય ચોમાસાનું આંદામાન – નિકોબારમાં આગમન થઈ જ ગયું છે અને કેરળ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ પ્રિમોન્સુન માહોલ શરુ થઈ જશે. આવતીકાલથી બફારો વધવાની સાથે લોકો પરસેવે રેબઝેબ થવા લાગશે અને કયાંક કયાંક છાંટાછુટી થવાની પણ શકયતા રહેવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

આંદામાન નિકોબારમાં ચોમાસુ બેસી ગયા બાદ બે દિવસથી તેની ઉતરીય રેખા સ્થગીત છે. જો કે બે દિવસમાં એ ફરી સક્રીય થઈને આગળ વધવા લાગશે અને મધ્ય દક્ષિણ બંગાળની ખાડી તથા દક્ષિણ અરબી સમુદ્રમાં આગળ વધવા લાગે તેવી શકયતા છે.

સૌરાષ્ટ્ર ગુજરાતમાં તાપમાન હજુ નોર્મલ કરતા ઉંચુ જ રહ્યું છે. અમદાવાદમાં 43.5, અમરેલીમાં 42.8, રાજકોટમાં 42.9 અને વડોદરામાં 41.8 નોંધાયું હતું એ નોર્મલ કરતા બે ડિગ્રી ઉંચુ છે. 20થી27 મે ના સમયગાળાની આગાહી કરતા તેઓએ જણાવ્યું હતુંકે આ દરમિયાન દક્ષિણ પશ્ચિમના પવન ફુંકાશે. કયારેક પશ્ચિમના પવન રહેશે, પવનની ગતિ સરેરાશ કરતા વધી જવાની શકયતા છે.

20થી35 કી.મી.ની ઝડપે પવન ફુંકાશે અને અમુક વખત એ ગતિ 30થી45 કી.મી. સુધીની થશે. આવતીકાલથી જ પવનની ઝડપ વધવા લાગશે. અરબી સમુદ્ર પરથી પવન આવતા હોવાના કારણે જમીનથી પોણો કી.મી. સુધી ભેજનું પ્રમાણ વધશે. સામાન્ય રીતે બપોરે ભેજ ઓછો થઈ જતો હોય છે. પરંતુ આવતીકાલથી બપોરે અને સાંજે પણ ભેજ વધુ રહેશે.

તાપમાનમાં 1થી1.5 ડીગ્રીનો મામુલી ઘટાડો થવા છતાં વધતા ભેજને કારણે લોકોને પરસેવે રેબઝેબ થવાનો વખત આવશે. આવતીકાલથી ઉપલા લેવલે અસ્થિરતા પણ વધશે અને તેની અસર એ આગાહીના સમયગાળા દરમ્યાન અમુક સ્થળોએ કયારેક છાંટાછુટી થવાની શકયતા છે.

આ સમાચારને શેર કરો