Placeholder canvas

વાંકાનેર: કોંગી સદસ્ય સુરેશભાઇના અપહરણના મામલે પીએસઆઈ સહિતના સામે લેખિત ફરિયાદ

મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ચુંટાયેલા સભ્યને પોલીસ સ્ટેશને બોલાવીને સ્થાનિક પીએસઆઇ દ્વારા તેને ખાનગી કારમાં બેસાડીને ભાજપ હવાલે કરી દીધેલ છે તેવો આક્ષેપ વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય તેમજ તાલુતા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આજે ધારાસભ્યના નિવાસ સ્થાનેથી સિટી પોલીસ સ્ટેશન સુધી રેલી યોજવામાં આવી હતી અને ત્યાં ડીવાયએસપીને લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે જેમાં તાલુકા પીએસઆઈ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે જેની તપાસ કરવામાં આવશે તેવી ડીવાયએસપીએ ખાતરી આપેલ છે

કોંગ્રેસનાં આગેવાન અને જોધપરના રહેવાસી યુનુસભાઈ જીવાભાઈ શેરસીયાએ વાંકાનેર તાલુકા પીએસઆઈ આર.પી.જાડેજા, અજયસીહ ઝાલા અને હરીશચંદ્રસીંહ ઝાલા સામે પગલાં લેવાની માંગ સાથે ડીવાયએસપીને લેખિત ફરિયાદ આપેલ છે જેમાં તેને લખ્યું છે કે, હું ગારીયા સીટ પર કોગ્રેસ પક્ષ તરફથી સદરય તરીકે ચુંટાયો છુ મારી સાથે વાંકાનેર તાલુકા પંચાયતના અરણટીંબા સીટ પર કોંગ્રેસ પક્ષ તરફથી સુરેશભાઈ અલખાજી બલેવીયા જે આદિવાસી સમાજમાંથી છે તે ચૂંટણી લડ્યા હતા ગત સાંજ તા.૧૨-૩-૨૦૨૧ સાંજે આશરે ૮-00 વાગ્યે અમોને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલાવેલ જયાં પી.એસ.આઈ. આર.પી.જાડેજાએ અમોને જણાવેલ કે તમોએ સુરેશભાઈ બલેવીયાનું અપહરણ કર્યું છે, તેવી અમોને તમારા વિરુધ્ધ અરજી મળેલ છે. અમોએ અરજી જોવા માંગતા પી.એસ.આઈ.એ અરજી જોવા ન આપી હતી અને ગાળો આપી ડાબા ગાલ ઉપર જાપટ મારી વધુ માર મારવાની ધમકી આપી ત્યાં બેસાડી દીધેલ હતા અને તમને અપહરણના ગુનામાં ફીટ કરી દઈશ તેવું કહ્યું હતું તા. ૧૭-૩-૨૦૨૧ ના રોજ તાલુકા પંચાયતની પ્રમુખની ચુંટણીમાં હાજર પણ નહી રહેવા દઉં તેવું કહ્યું હતું

તા.૧૩-૩-૨૦૨૧ના સવારના આશરે ૧૧-00 વાગ્યે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય પીરઝાદા, જીલ્લા પંચાયત સદસ્ય ઈસ્માઈલભાઈ બાદી, હાસમભાઈ બાંભણીયા સહીત અન્ય આગેવાનો સુરેશભાઈ સાથે વાંકાનેર પોલીસ સ્ટેશને આવ્યા હતા ત્યારે પી.એસ.આઈ. ને તેમણે કહ્યું હતું કે, હું કોગેસ પક્ષમાંથી વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય તરીકે ચુંટાયો છું હું સ્વેચ્છાએ ફરવા ગયેલ હતો મારું અપહરણ થયુ નથી જો મારા અપહરણની અરજી થઈ હોઈ તો તે અરજી ખોટી છે હું સ્વતંત્ર છુ ત્યાર બાદ પી.એસ.આઈ. જાડેજાએ કોઇની સાથે ફોન પર એકાંતમાં વાત કરી હતી અને બાદમાં સુરેશભાઇને ખાનગી માલીકીની સુઝુકી બલેનો કાર જીજે ૩૬ એલ ૯૬૭ માં બેસાડીને બહાર મોકલ્યા હતા જેને ડી સ્ટાફના અજયસીહ ઝાલા તેમજ હરીશચંદ્રસીંહ લઈ ગયા હતા ત્યારે સી.પી.આઈ. કચેરી ખાતે નીવેદન લેવા માટે જાય છે તેવું કહ્યું હતું આમ આર.પી.જાડેજાએ ભાજપના એન્જટ બની કામ કર્યું છે અને રાજકીય ઈશારે પી.એસ.આઈ. તથા કર્મચારીઓએ ગુનાહીત કાવતરું રચી સતાનો દુર ઉપયોગ કરેલ છે તેવો આક્ષેપ કરેલ છે અને પીએસઆઈ જાડેજાના તમામ મોબાઈલ ફોનના કોલ રેકોડિંગ ચેક કરવામાં આવે તેવી પણ કોંગ્રેના આગેવાનોએ માંગ કરેલ છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.પી. જાડેજાએ કોંગ્રેસનાં સભ્યનું અપહરણ કરાવવામાં આવેલ છે માટે સ્થાનિક લેવલે ન્યાયિક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે ડીવાયએસપીને લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે જેની તટસ્થ તપાસ કરવાની ડીવાયએસપીએ કોંગ્રેસનાં આગેવાનોને ખાતરી આપેલ છે અત્રે ઉલેખનીય છે કે, વાંકાનેરમાં પોલીસ અધિકારી દ્વારા ભાજપનું કામ કરવામાં આવી રહ્યું હોવાથી વાંકાનેર તાલુકાની અંદર હાલમાં રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યનું અપહરણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે શા માટે પોલીસ દ્વારા કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિને પોલીસ સ્ટેશન ખાતે નિવેદન લખવા માટે બોલાવ્યા બાદ ખાનગી વાહનમાં બહાર મોકલવામાં આવ્યા હતા તે તપાસનો વિષય છે.

આ સમાચારને શેર કરો