Placeholder canvas

હડતાળ ખત્મ: રાજકોટ માર્કેટયાર્ડ ફરી ધમધમવા લાગ્યુ

રાજકોટ માર્કેટયાર્ડમાં નવ-નવ દિવસથી ચાલતી હડતાળનો અંત આવવાની સાથે આજે ફરી પાછો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દસ દિવસથી પડતર પડેલા ખેડુતોના માલની હરરાજી થઈ હતી. એકાદ દિવસમાં હરરાજી-આવક સહિતની કામગીરી નોર્મલ થઈ જવાનું માનવામાં આવ્યું રહ્યું છે.

મચ્છરોના ત્રાસથી યાર્ડમાં શરૂ થયેલો વેપારી વિરોધ હિંસક બન્યા બાદ પોલીસ કેસ થયા હતા. સમગ્ર ઘટનાક્રમમાં નવા વળાંક આવી ગયા હતા. પોલીસ કેસ પાછા ખેંચવાની જીદ શરૂ થઈ હતી ત્યારે યાર્ડ સતાધીશો આકરા પાણીએ થયા હતા. દલાલમંડળનું વિસર્જન કરી નાખ્યું હતું. ઓફિસનો કબ્જો લઈ લીધો હતો. ઉપરાંત પ્રમુખ સહિત ત્રણને નોટીસ ફટકારીઆજથી કામકાજ શરૂ કરી દેવાનું જાહેર કરી દીધું હતું. બીજી તરફ વેપારીમંડળ તરફથી મધ્યસ્થીના પ્રયાસો શરૂ થયા હતા. પોલીસકેસ પાછા ખેંચવાના મામલે મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવાની વાત સ્વીકારીને દલાલમંડળ પણ કુણુ પડયુ હતું અને કામે ચડવા રાજી થઈ ગયુ હતું.

આજે યાર્ડમાં કામકાજ શરૂ થતા વેપારીઓ, દલાલો, મજુરો સહિત તમામ વર્ગો જોડાયા હતા. યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા, ઉપપ્રમુખ હરદેવસિંહ જાડેજા, ડાયરેકટર પરસોતમ સાવલીયા, જમન ધામેલીયા વગેરે પણ સવારથી યાર્ડે પહોંચી ગયા હતા અને હરરાજી સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. તેઓએ આકરા પગલા વિશે સ્પષ્ટ કર્યુ કે કોઈ પ્રત્યે પૂર્વગ્રહ રખાયો નથી. હડતાળ ખોટી રીતે ખેંચવામાં આવતી હોવાના કારણોસર આકરા પગલા લેવાની પરજ પડી હતી. બાકી એકમેકના સહકારથી જ સમગ્ર કામગીરી થતી હોય છે.
રાજકોટ યાર્ડમાં હડતાળ પડી ત્યારે ઘઉં, મગફળી, ચણા, ઉપરાંત અનેકવિધ કઠોળની ચીજોનો માલ પડતર હતો. આજે તમામ પડતર માલની હરરાજી કરીને નિકાલ કરવામાં આવ્યો હતો. આજથી નવી આવકો શરૂ થવા સાથે કાલથી તમામ વ્યવહારો નોર્મલ થઈ જવાનું માનવામાં આવી રહ્યું છે.


આ સમાચારને શેર કરો