વાંકાનેર: વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને ફીનાઇલ પીધું

વાંકાનેર : વાંકાનેરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને ફીનાઇલ પીઇ લીધાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે શખ્સોએ ઉંચા વ્યાજ દરે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરી માર મારતા લાગી આવવાથી યુવાને ફીનાઇલ પીધાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની ફરિયાદ નોંધી પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ ફરિયાદી મુસ્તુફાભાઇ શબીરભાઇ નોકડ (ઉ.વ-૨૪ ધંધો-મજુરી રહે-વોરાવાડ નવાપરા જે.કે ટેઇલર્સ સામે વાંકાનેર) એ આરોપીઓ અનિલભાઇ બુટાભાઇ લામકા તથા ઘનાભાઇ મોનાભાઇ લામકા (રહે-બંન્ને ભરવાડપરા વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૧૫ ના રોજ સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામા વાંકાનેર વોરાવાડ ફરીયાદીના ઘર પાસે બનેલા આ બનાવમાં અગાઉ ફરીયાદીને પોતાના ભંગારના ધંધામા પૈસાની જરૂરત હોય જેથી એક આરોપી પાસેથી છ મહિના પહેલા રૂ-૮૦,૦૦૦ વ્યાજે લીધા હતા.

આ પૈસાની ઉંચા વ્યાજ સહિત કુલ રૂ-૧,૫૦,૦૦૦ ની પઠાણી ઉઘરાણી આરોપીઓએ ફરીયાદી પાસે કરી ફરીયાદીએ પૈસા આપવાની ના પાડતા આરોપીઓએ ફરીયાદીના ઘર પાસે આવી અને ફરીયાદી પાસે પૈસાની ઉઘરાણી કરી ફરીયાદીને વાસામા ઢીકા તથા કેન લટકાવવાના લોખંડના સ્ટેન્ડ વતી વાસામા મુંઢમાર મારી તેમજ પેટના ભાગે પથ્થરથી મુંઢ ઈજા પહોચાડી હતી. આરોપીએ ઉંચા વ્યાજ દરે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરતા ફરીયાદી કંટાળી જઇ ફીનાઇલ પી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

યુવાને આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ સામે આઇ. પી.સી.કલમ-૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એ કલમ-૧૩૫ તથા મનીલેન્ડ એકટ કલમ-૫, ૪૦, ૪૨ મુજબ પોલીસે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •