Placeholder canvas

બધેજ વેઇટિંગ :કોરોના ટેસ્ટમાં તો ઠીક, મૃતદેહ મેળવવા અને અંતિમ સફરમાં પણ લાંબું વેઇટિંગ !

પરિવારને મૃતકની ઝલક જોવા સ્ટાફ ક્યારે બોલાવે એની રાહ જોવાય છે

રાજકોટ: સિવિલ કોવિડ હોસ્પિટલનું બિહામણું સત્ય બહાર આવ્યું છે, જે કદાચ આજની હયાત એકપણ પેઢીએ જોયું નથી. કોવિડ હોસ્પિટલની ચાર બાજુ છે અને ચારે તરફ અલગ અલગ સ્થિતિ પણ ગંભીરતા બતાવે છે. હોસ્પિટલની સામે સવારથી જ ટેસ્ટ કરવા માટે લોકોની કતાર લાગી જાય છે, જેમાં એવા પણ દર્દીઓ હોય છે જે તાવને કારણે ઊભા પણ રહી શકતા નથી, તેથી તેમને જમીન પર જ સૂઈ જવું પડે છે.

સ્વજનની લાશ માટે રાહ જોવી પડે છે
બપોરના સમયે કોઇ પોતાના સ્વજનનું આરોગ્ય જાણવા હોસ્પિટલની પાછળ આવેલા હેલ્પ ડેસ્ક પાસે કતારમાં હોય છે તો બીજી તરફ સ્વજનની લાશ ક્યારે બહાર આવે એની રાહ જોતા લોકો હોસ્પિટલની જમણી તરફ ઊભા હોય છે. આટલું જ નહિ, મુખ્ય ગેટથી શરૂ કરી હોસ્પિટલના સેલર સુધી એમ્બ્યુલન્સની કતાર હોય છે. દર્દી પોતાનો વારો ક્યારે આવે અને સ્ટાફ તેમને હોસ્પિટલની અંદર લઈ જવા માટે આવે એની રાહ જોતા હોય છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સ્થિતિ કેવી ડરામણી અને વિક્ટ છે એના પુરાવા આપી રહી છે આ તસવીરો
108માં લાંબો સમય જોવી પડે છે રાહ
જે પણ દર્દી ગંભીર બને તે તરત જ 108માં ફોન કરે છે. એમ્બ્યુલન્સ ગણતરીની જ મિનિટોમાં હોસ્પિટલ પહોંચાડી દે છે, પણ સિવિલના મુખ્ય ગેટ પાસેથી અંદર જવા માટે અડધો કલાકથી વધુ વારો આવે એની રાહ જોવી પડે છે.

ટેસ્ટ માટે કતારો

સિવિલમાં ટેસ્ટ માટે કતારો બનાવીને ક્યારેક કલાક-કલાક ઊભું રહેવું પડે છે. કતારો લાંબી હોય છે અને આ કારણે જે દર્દીઓ બીમાર છે તે અને ઊભા નથી રહી શકતા, આવા જ એક દર્દી લાઈનમાં ઊભા ન રહી શકતાં સૂઈ ગયા હતા.

હેલ્પ ડેસ્ક પર પણ દયનીય સ્થિતિ

હોસ્પિટલની પાછળના મેદાનમાં હેલ્પ ડેસ્ક છે, જ્યાં દર્દીઓનાં સ્વજનો બેસે છે. અહીંથી પરિવારજનો તેમના દર્દીનું મેડિકલ બુલેટિન જાણી શકે છે. ત્યાં પણ દર્દીને હવે ‘કેમ છે’ એ જાણવા કલાકો વીતી જાય છે.

આ સમાચારને શેર કરો