Placeholder canvas

મોરબી: રૂ.10 લાખની ખંડણી માંગનાર ત્રણની ધરપકડ

મોરબી : મોરબીમાં યુવતીના બીભત્સ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપીને રૂ. 10 લાખની ખંડણી માંગણી કારનાર ત્રણ યુવાનોની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. હાલ આ ત્રણેયની વધુ પૂછપરછ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરમાં 20 વર્ષની યુવતિના બીભત્સ ફોટા તેણીના પિતાને વોટ્સએપ ઉપર મળ્યા હતા. બાદમાં પિતાને વોટ્સએપ ઉપર કોલ આવ્યો હતો અને સામે છેડેથી કહેવામાં આવ્યું હતું કે જો તમે રૂ. 10 લાખ નહિ આપો તો તમારી દીકરીના બીભત્સ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશું. આ અંગે કચવાટ બાદ અંતે પિતાએ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. ત્યારે એ ડિવિઝન પોલીસે પિતાને વિશ્વાસમાં લઈને તેમનું નામ કે ઓળખ જાહેર કર્યા વગર આરોપીને પકડી પાડવાનું કહ્યું હતું.

આ મામલે એ ડિવિઝન પોલીસે તપાસ આદરીને બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી ખંડણીની માંગણી કરનાર મિતેન ઉર્ફે પ્રેમ અરૂણભાઈ આશર (ઉ.વ.22) શહેઝાદ કાળુભાઈ પરમાર (ઉ.વ.22) તેમજ શાહરૂખ જબ્બારભાઈ ભટ્ટી (ઉ.વ.21)ને પકડી પાડ્યા છે. આ અંગે વધુ વિગત આપતા એ ડિવિઝન પીઆઇ આર.જે. ચૌધરીએ જણાવ્યું કે શાહરૂખે મિતેન ઉર્ફે પ્રેમના મોબાઈલમાંથી યુવતીના ફોટા મેળવીને યુવતીના પિતાને મોકલ્યા હતા અને વોટ્સએપ કોલ ઉપરથી રૂ. 10 લાખની ખંડણી માંગી હતી.

હાલ આ ત્રણેય શખ્સોના રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ કરવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન આ કેસની વધુ વિગતો ખુલશે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/KkbHkmhx1702zMH4BdtXkO

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો