Placeholder canvas

આ છે સ્વચ્છ મોરબી: લાતીપ્લોટમાં ગટરના ગંદા પાણી ભરાતા સ્થાનિકો પરેશાન

મોરબી : મોરબી શહેરની આર્થિક કરોડરજ્જુ ગણાતો લાતીપ્લોટ વિસ્તારમાં વર્ષોથી પાલિકા તંત્રની ઘોર ઉપેક્ષાનો શિકાર બન્યો છે. તંત્રના પાપે વર્ષોથી લાતીપ્લોટમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ વચ્ચે ગટરના ગંદા પાણી ભરાવવાથી ગંદકીની ભયંકર સમસ્યા સામે આવી છે. જેમાં લાતીપ્લોટ શેરી નંબર-7 માં છેલ્લા એક અઠવાડિયાથી ગટરના પાણી ભરાયેલા હોવા છતાં તંત્રની ઉંઘ ન ઉડતા સ્થાનિક લોકો ઉપર રોગચાળાનું જોખમ ઉભું થયું છે.

મોરબીનો લાતીપ્લોટ વિસ્તાર એટલે પ્રાથમિક સુવિધાઓનું વર્ષોથી ક્યાંય નામોનિશાન નહિ. પાલિકા તંત્રની હદ બહારની બેદરકારીના પાપે આ લાતીપ્લોટની નર્કગાર જેવી હાલત છે. અનેક સમસ્યાઓના ગંજ વચ્ચે વધુ એક ગંભીર સમસ્યા ધ્યાને આવી છે.જેમાં લાતીપ્લોટ શેરી નંબર-7 ના મેઈન રોડ ઉપર ગટરના ઉભરાતા પાણીએ એટલી હદે માજા મૂકી છે કે આ વિસ્તાર વગર વરસાદે પાણી -પાણી થઈ ગયો છે અને ગટરના ગંદા પાણીના તલાવડા ભરાયા છે.

લાતીપ્લોટમાં ગટરના પાણી ભરાવવાથી નાના લઘુ ઉધોગકારોને કામધંધા કરવામાં ભારે હાડમારી સર્જાય છે. લોકોના નાછૂટકે ગટરના ગંદા પાણીમાં ચાલવાની ફરજ પડે છે. ગંદકીના કારણે રોગચાળાનો ખતરો ઉભો થયો છે. જો કે લાતીપ્લોટમાં વર્ષોથી સમસ્યાઓના ગંજ ખડકાયા છે. ત્યારે પાલિકામાં નવી ચૂંટાયને આવેલા સેવકો પાસે લાતીપ્લોટ સ્થાનિકોને ઘણી આશા છે.

આ સમાચારને શેર કરો