Placeholder canvas

રાજકોટ: 7 માર્ચથી હૈદ્રાબાદની અને એપ્રિલથી રોજ 12 વિમાનોની આવ-જા કરશે.

  • રોજ 1000થી વધુ મુસાફરો વિમાની સેવામાં કરશે અવરજવર
  • ત્રણ માસ પહેલા સપ્તાહે ત્રણ ફ્લાઈટને બદલે હાલ રોજ પાંચ ફ્લાઈટ
  • બેંગ્લોર પછી હવે ગોવા પહોંચવા વિમાની સેવા

રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટને અંતે વિમાની સેવાઓ મળવાનું શરૂ થયું છે. ચેમ્બર ઓફ કોમર્સ સહિત અનેક સંસ્થાઓની દ્વારા વારંવારની રજૂઆત કાને ધરાઈ છે અને હાલ રાજકોટથી દિલ્હી, મુંબઈ અને બેંગ્લોર જવા માટે ફ્લાઈટ સર્વિસ બાદ હવે સીધુ હૈદ્રાબાદ જવા માટે પણ તા.૭ માર્ચથી ફ્લાઈટ શરૂ થશે તો એપ્રિલથી મધ્ય શહેરના આકાશ પર રોજ ૧૪ કલાકમાં ૧૨ વિમાનોની ઉડાઉડ જોવા મળશે.
એરપોર્ટ ડાયરેક્ટર દિંગત બોહરાએ જણાવ્યું કે ક્રમશ: ફ્લાઈટ વધી રહી છે અને હૈદ્રાબાદ ઉપરાંત મુંબઈથી રાજકોટ અવરજવર વિશેષ રહેતી હોય વધુ બે ફ્લાઈટ તા.૧૮ માર્ચ સુધીમાં શરૂ થશે. તા.૨૮ માર્ચ સુધીમાં રાજકોટથી હૈદ્રાબાદ માટે ૨, દિલ્હી માટે ૪, મુંબઈ માટે ૪, બેંગ્લોર માટે ૨ એમ રોજની ૧૨ ફ્લાઈટ સવારના ૬.૪૦થી રાત્રિના ૮.૧૫ વાગ્યા વચ્ચેના સમયમાં શરૂ કરાશે.

રાજકોટને ધંધા રોજગાર માટે, અભ્યાસ અને સામાજિક કામો માટે હવે દૂરના સ્થળો એ પરદેશ જેવા નથી રહ્યા પણ લોકલ જેવા જ થયા છે. ચેમ્બરના પ્રમુખ વી.પી.વેષ્ણવે જણાવ્યું કે વેપાર ધંધાના વિકાસ ઉપરાંત તબીબી સેવા માટે પણ ફ્લાઈટ પૂરતી સંખ્યામાં ચાલે તે જરૂરી છે. ગોવા જવા માટે પણ રાજકોટને સીધી ફ્લાઈટ ટૂંક સમયમાં મળશે તેવી એરપોર્ટ તરફથી ખાત્રી મળી છે. તેમણે ઉમેર્યું કે હજુ ત્રણ-ચાર માસ પહેલા સપ્તાહે માંડ ૩ ફ્લાઈટની અવરજવર થતી તેની જગ્યાએ આજે દિલ્હી,મુંબઈ,બેંગ્લોર જવા રોજની ઉપરાંત મુંબઈ જવા સપ્તાહમાં ત્રણ અને ચાર દિવસ અન્ય ફ્લાઈટ પણ ચાલે છે.

એકંદરે રાજકોટનું એરપોર્ટ કે જે શહેરની મધ્યે રેસકોર્સ પાસે આવેલું છે (નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદ રોડ પર દૂર હીરાસર પાસે બની રહ્યું છે) ત્યાં એક સમયે ફ્લાઈટના અભાવે સૂમસામ રહેતું ત્યાં એપ્રિલ માસથી દૈનિક ૧૦૦૦થી ૧૨૦૦૦ મુસાફરો અને તેમના સંબંધીઓની અવરજવર જોવા મળશે.

આ ફ્લાઈટ સમયસર ચાલે અને તેના ભાવ વાજબી રખાય તો સર્વિસ નફાકારક રીતે ચાલી શકે તેમ છે. ઉપરાંત હજુ રાજકોટથી સુરત, અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, આબુ અંબાજી, હરિદ્વાર-ઋષિકેશ જેવા સ્થળોએ જવા આવવાવાળાની સંખ્યા વિશેષ છે પણ ત્યાં સીધી ફ્લાઈટ નથી.

આ સમાચારને શેર કરો