Placeholder canvas

રાજ્ય સરકારે પરિપત્રનો અમલ LRD ભરતી પૂરતો મોકૂફ રાખીને બેઠકો વધારી..!!

ગાંધીનગર : રાજ્ય સરકારે મહિલા અનામત અંગે તારીખ 1-8-2018નાં પરિપત્રનો અમલ એલઆરડી ભરતી પૂરતો મોકૂફ રાખીને 2150 બેઠક વધારીને 5227 બેઠક પર ભરતીની સમાધાન ફોર્મ્યુલા આંદોલનકારીઓ માટે જાહેર કરી છે. પરંતુ સરકારનાં આ નિર્ણય બાદ પણ આંદોલનકારીઓ પરિપત્ર રદ થાય તેવી જ માંગ કરી રહ્યાં છે. આ સાથે સરકારે નહિ 50 ટકા ગુણાંક અને 62.5 ટકા કટ ઓફ માર્ક્સ હશે તેવા અનામત- બિનઅનામત મહિલા ઉમેદવારોની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. ઠરાવ બાબતે મેટર સબજ્યુડિશ હોવાથી અત્યારે એલઆરડીને બાદ કરતાં કોઈ નવી ભરતી નહિ કરાય.

નીતિન પટેલે કહ્યું

આ અંગે ગઇકાલે બેઠકોનાં ધમધમાટ બાદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાહેરાત કરી હતી કે, એલઆરડી ભરતીમાં કોઈને મનદુખ ના થાય તે માટેનો સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. એલઆરડી ભરતીમાં SC કેટેગરીમાં 346ની જગ્યાએ 588ની ભરતી થશે, ST કેટેગરીમાં 476માંથી 511 બહેનોને નોકરી મળશે, OBCમાં 1834ના બદલે 3248 બહેનોની ભરતી કરાશે, અને જનરલ કેટેગરીમાં 883 લોકોની ભરતી થશે. એટલે કે, કુલ 5227 જગ્યાઓ પર ભરતી રહેશે. તેમણે વધુમાં કહ્યું કે, જૂના પરિપત્રને ધ્યાનમાં લેવામાં નહી આવે એટલે કે વર્ષ 2018નો પરિપત્ર માન્ય નહીં ગણાય. સરકારે તમામ વર્ગની મહિલા ઉમેદવારો માટે સમાન નિર્ણય લીધો છે. 62.5 ટકા સુધી તમામ મહિલા ઉમેદવારોની ભરતી કરાશે.

રાજ્ય સરકારે1-8-2018નાં પરિપત્રના વિવાદ મુદ્દે વચગાળાનો રસ્તો કાઢી બેઠકો વધારવા સાથે 62.5 ટકા કટઓફ નક્કી કર્યું છે. પરંતુ સરકારનાં આ નિર્ણય સામે હજુ અનામત અને બિનઅનામત વર્ગની મહિલાઓનો રોષ ઓછો થયો નથી. જેથી ગાંધીનગર ખાતે ચાલી રહેલા અનામત અને બિન અનામત વર્ગની મહિલાઓનું આંદોલન યથાવત છે.

અનામત વર્ગ

આ અંગે અનામત વર્ગની મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મહિલાઓએ રોષ સાથે જણાવ્યુ હતું કે, છેલ્લા 69 દિવસથી અમારું આ આંદોલન માત્ર નોકરી મેળવવા પૂરતુ મર્યાદિત નથી અમારું આંદોલન 1-8-2018નો ઠરાવ રદ કરવા માટેનું છે. અમને માત્ર લોલીપોપ બતાવીને સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે. મહત્વનું છે કે અનામત આંદોલનને હવે આદિવાસીઓએ ટેકો જાહેર કર્યો છે. જેનાથી આમાં નવો વળાંક આવ્યો છે. છેલ્લા 25 દિવસથી ખોટા પ્રમાણપત્ર રદ કરવાની માંગ સાથે આદિવાસીઓ આંદોલન કરી રહ્યાં છે. ત્યારે બંન્ને આંદોલનકારીઓએ હાથ મિલાવી દીધા છે.

બિનઅનામત વર્ગ

બીજી તરફ બિનઅનામત વર્ગ છેલ્લા પાંચ દિવસથી આંદેલન કરી રહ્યાં છે. ગઇકાલે આમાંથી બે છોકરીઓની હાલત બગડતા તેમને હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. આજે સોમવારે બિન અનામત વર્ગની ઉમેદવારોએ વિવિધ સમાજનાં વર્ગો સાથે ચર્ચા કર્યા બાદ આંદોલન સમેટવું કે નહીં તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.

આ સમાચારને શેર કરો