Placeholder canvas

પિતાનું કોવિડથી અવસાન થતા પુત્રએ ચાલીસમા પર ફ્રીમાં રોપાનું વિતરણ કર્યું

પીપળીયારાજ ના યુવાને પરંપરાથી આગળ નીકળીને સમાજને એક અલગ મેસેજ આપ્યો, આશરે ૧૦૦૦ જેટલા રોપાનું વિતરણ કર્યું

વાંકાનેર આજથી લગભગ ૪૦ દિવસ પૂર્વે વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે માથકિયા હુસેન ઇબ્રાહિમ હાજી સાહેબનું કોવિડ 19 ના કારણે અવસાન (ઈન્તેકાલ) થયું હતું. હાજી સાહેબની આ બીમારીના વખતે તેમના પરિવારજનો અને ખાસ કરીને તેમનો યુવાન દીકરો અહેમદ માથકિયાને ઓક્સિજનના સિલિન્ડર અને ઇન્જેક્શન માટે ભારે દોડાદોડી અને મહેનત કરવી પડી હતી. આ કોરોના ના કારણે આ પરિવાર તેમના મોભીને બચાવી ન શક્યા તેમનું ભારોભાર આખા પરિવારને દુઃખ હતું.

આ કોરોનાએ માત્ર આ એક પરિવારને જ નહીં સમગ્ર સમાજને ઓક્સિજન નું મહત્વ શું છે? એ બહુ સારી રીતે સમજાવી દીધું છે. કુદરતની ઓક્સિજન માટેની જે વ્યવસ્થા ગોઠવાયેલી છે તેમને આ માનવો કાપી રહ્યા છે. ત્યારે આ કોરોનાએ માનવોને મેસેજ આપ્યો છે કે કુદરતે ગોઠવેલી વ્યવસ્થા તોડવાની કોશિશ ન કરવી અન્યથા ખૂબ ગંભીર પરિણામો ભોગવવા પડશે.

આ બધું વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામનો માથકિયા પરિવારનો યુવાન અહેમદ મથકિયા જેઓએ કોરોના મહામારીમાં તેમના પિતાને ગુમાવ્યા છે તે ઓક્સિજનનું ખૂબ મહત્વ સમજી ગયો ત્યારે આજે તેમના પિતાના ચાલીસમા પર સમાજની પરંપરાથી આગળ વધીને ગામમાં ફ્રીમાં રોપાનું વિતરણ કરી ને સમાજને એક અલગ મેસેજ આપ્યો છે.

પીપળીયા રાજ ગામના માથકિયા પરિવારે ફ્રીમાં રોપા વિતરણ કરવાનો કરેલ નિર્ણય ગામ લોકોએ પણ વધાવી લીધો અને માત્ર ૧૫ થી ૨૦ મિનિટમાં આશરે 1000 રોપા લોકો લઈ ગયા અને ઘણા બધા લોકોને આ રોપા ભાગ ન આવ્યા. એહમદ સાથે કપ્તાનના પ્રતિનિધિની થયેલી વાત મુજબ લોકો તરફથી ખૂબ સારો આવકાર મળ્યો છે અને અમારા પરિવારની ઇચ્છા છે કે કમ સે કમ આપણા ગામને શુદ્ધ ઓક્સિજન વાળુ, હરિયાળું બનાવીએ અને કુદરતે ગોઠવેલી ઓક્સિજનની વ્યવસ્થા જે તૂટી રહી છે તે ફરીવાર સ્થાપિત કરવામાં યોગદાન આપીએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હજુ જરૂર પડશે તો બીજા વધુ રોપા લઈને ગામમાં ફ્રીમાં વિતરણ કરીશું…

આ સમાચારને શેર કરો