Placeholder canvas

વરસાદની હજુ એકાદ અઠવાડીયુ રાહ જોવી પડે તેવી શકયતા

સૌરાષ્ટ્રમાં ચોમાસાનો વહેલો પ્રવેશ થઈ જવાની આશા વચ્ચે હજુ તેમાં આગમનના કોઈ એંધાણ નથી ત્યારે હજુ એકાદ સપ્તાહ સુધી રાહ જોવી પડે તેમ હોવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે અને આ દરમ્યાન લોકોએ અસહ્ય બફારાનો સામનો કરવો પડશે. તેમજ કયાંક છાંટા કે જાપટું પડી શકે છે, પરંતુ વાવણી લાયક વરસાદને હજુ એકાદ અઠવાડિયું રાહ જોવી પડશે

તેઓએ આજે જણાવ્યું હતું કે નૈઋત્ય ચોમાસું ગત 11 મીએ દીવ સુધી આવી ગયુ હતું. પરંતુ ત્યાંથી પછી આગળ વધ્યુ નથી તેવી જ રીતે 13 મી જુન સૂધીમાં દેશનાં મોટાભાગનાં રાજયોમાં દાખલ થઈ ગયુ હતું. માત્ર સૌરાષ્ટ્ર-કચ્છ તથા ગુજરાતનાં મોટાભાગનાં અન્ય વિસ્તારો ઉપરાંત ઉતર પશ્ચીમી મધ્યપ્રદેશ, પશ્ચીમ ઉતર પ્રદેશ પંજાબ-હરીયાણાના કેટલાંક ભાગો તથા સમગ્ર રાજસ્થાન બાકાત રહી ગયા છે.ચોમાસુ ગુજરાતમાં પાંચ દિવસથી આગળ ચાલ્યુ નથી.

જયારે અન્ય ભાગોમાં 13 મી જુનથી સ્થગીત છે. ચોમાસાને આગળ ધપવા માટે કોઈ સાનુકુળ પરીબળો કે સીસ્ટમ નથી ત્યારે ગુજરાતના અને અન્ય રાજયોનાં બાકી રહેલા ભાગોમાં પ્રવેશમાં વધુ વિલંબ શકય છે. રાજકોટ-સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસામાં ઢીલ વચ્ચે હાલ તાપમાન નોર્મલ આસપાસ રહેવા સાથે અસહ્ય બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે નોર્મલ તાપમાન 38 40 ડીગ્રી છે તેની સરખામણીએ અમદાવાદમાં 40.6 ડીગ્રી રાજકોટમાં 39.3 ડીગ્રી ભુજમાં 37 ડીગ્રી તથા સુરેન્દ્રનગરમાં 40.3 ડીગ્રી નોંધાયુ હતું. સાંજે ભેજનું પ્રમાણ વધવા સાથે બફારો પણ વધે છે.

તા.16 થી 23 જુનની આગાહી કરતા તેઓએ કહ્યુ હતું કે તાપમાનમાં ભેજ આધારીત એકાદ-બે ડીગ્રીની વધઘટ રહે તેમ છે. બાકી નોંધપાત્ર કે સાર્વત્રીક વરસાદનાં કોઈ સંકેત નથી કયાંક-કયાંક છાંટાછુટી કે હળવો વરસાદ શકય છે તે તટીય સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તથા ઉતર ગુજરાતમાં થવાની શકયતા વધુ છે. આ દરમ્યાન દ.પશ્ચીમી પવન ફુંકાશે તેની ઝડપ 15 થી 25 કી.મી. રહેશે છતાં સાંજે તેનાથી પણ વધુ ઝડપે પવન ફુંકાઈ શકે છે.

આ સમાચારને શેર કરો