Placeholder canvas

ગાંધીજીની 150મી જયંતીએ મોટર વ્હીકલ એક્ટનો સવિનય કાનૂન ભંગ કરી ગુજરાત કોંગ્રેસ વિરોધ કરશે

અમદાવાદ : બીજી ઓક્ટોબરે દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી ઉજવવામાં આવશે. ત્યારે ગુજરાત કોંગ્રેસે દાંડી અને પોરબંદરથી ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રા મોટર સાયકલ પર નીકળશે. કોંગ્રેસે મોટર વ્હીકલ એક્ટ કાયદાને અંગ્રેજોનાં શાસન અને દમન સમાન ગણાવ્યાં છે. જેથી કોંગ્રેસ આ મોટરસાયકલ પર નીકળનારી યાત્રા દ્વારા નવા મોટર વ્હીકલ એક્ટનો સવિનય કાનૂન ભંગ કરશે.

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ટ્રાફિકનાં નવા નિયમોનાં અમલનો અનેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિએ પણ પ્રજાનાં પ્રશ્નોને વાચા આપવા મીસ કોલ અભિયાન શરુ કર્યું હતું. ત્યારે હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી ગાંધીજયંતિ નિમિત્તે દાંડીથી અમદાવાદ સાબરમતી આશ્રમ સુધી મોટર સાયકલ યાત્રા કાઢવાનું આયોજન કરાયું છે.

તેવી જ રીતે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરથી અમદાવાદ સાબરમતી આશ્રમ સુધી બીજી એક મોટર સાયકલ યાત્રા યોજવાનું આયોજન કરાયું છે. આ મોટર સાયકલ યાત્રા દ્વારા કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો સવિનય કાનૂન ભંગ કરી મોટર વ્હીકલ એક્ટનો વિરોધ નોંધાવશે.

આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે કે, ટ્રાફિકનાં આકરા દંડ માટે કોંગ્રેસ ગુજરાતની જનતા સાથે છે. ગુજરાતની જનતાનાં પ્રશ્નોને વાચા આપવા માટે આ વિરોધ કરાશે. અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પણ શાસકો દ્વારા અન્યાયકારી કાયદા લાવી પ્રજાનુ શોષણ અને દમન કરવાનો વિરોધ કર્યો હતો. પ્રજાનો વિરોધ હતો તેને વાચા આપવા ગાંધીજી સવિનય કાનૂન ભંગની લડાઈ લડ્યા છે. ત્યારે ગુજરાતની પ્રજામાં પણ ટ્રાફિકનાં નવા નિયમોનો ઉગ્ર વિરોધ છે. ત્યારે આ ટ્રાફિકનાં નવા નિયમનોની જોગવાઈનો પ્રજા વિરોધ કરી રહી છે. જનતાની સાથે સાથે કોંગ્રેસ પણ તેનો વિરોધ કરશે.

મહત્વનું છે કે રાજ્યમાં કોંગ્રેસ ઉપરાંત અનેક લોકો દ્વારા ટ્રાફિકનાં નવા નિયમોનો સોશિયલ મિડિયા પર જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે કોંગ્રેસ દ્વારા આ મોટર વ્હીકલ એક્ટનો સવિનય કાનૂન ભંગ અને ટ્રાફિકના કાયદાનો વિરોધ સૂચક બની રહેશે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો