Placeholder canvas

નિસર્ગ વાવાઝોડાનો ગુજરાત માથેથી મોટો ખતરો ટળ્યો, હવે મહારાષ્ટ્ર પર સંકટ

એક તરફ કોરોના માહામારી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ ગુજરાત પર વાવાઝોડાનું સંકટ હતુ જે હવે ટળી ગયું છે. હવામાન વિભાગે મોટા રાહતના સમાચાર આપ્યા છે. અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે પણ હવે ગુજરાત સાથે ટકરાશે નહીં. સુરતના દરિયા કિનારાથી ડિપ્રેશન 920 કિલોમીટર દૂર છે. જોકે, ગુજરાતમાં વરસાદ વરસવાની પૂરી સંભાવના છે. જોકે, આ ગંભીર ચક્રવાત મહારાષ્ટ્રમાંથી પસાર થશે ત્યાં મોટી ખાનાખરાબી સર્જાઈ શકે છે.

ગુજરાતમાં મોટો ખતરો હવે ટળી ગયો છે. મહારાષ્ટ્ર માટે હવે આ ચક્રવાતનો ખતરો વધી ગયો છે. જોકે, દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના ટળી નથી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ નિર્સગ વાવાઝોડું દક્ષિણ ગુજરાતમાં નહીં ટકરાય પરંતુ મહારાષ્ટ્રના અલીબાગ ખાતે ટકરાશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. જો કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

સંભવિત વાવાઝોડાને લઈને રાજ્યના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હાઇ એલર્ટ જાહેર કરાયું હતું. ભાવનગર અને અમરેલી જિલ્લાને હાઈ એલર્ટ પર મુકાયા હતા. હવામાન વિભાગે હજુ 4 અને 5 જૂને રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. સાયક્લોનને લઈ ગાંધીનગરમાં સ્ટેટ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. જ્યાંથી સાયક્લોનથી પ્રભાવિત થનારા જિલ્લામાં રાહત સહિત લોકોને જાગૃત કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.

સુરતના પ્રખ્યાત ડુમસ અને સુવાલી બીચ બંધ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા 4 જૂન સુધી દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના 32 ગામોને એલર્ટ કરાયા હતા. સાથે જ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. હજુ પણ સુરતના હજીરા અને મગદલ્લા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે તો ઔદ્યોગિક એકમોને વાવાઝોડાના સંકેત આપવા સિગ્નલ આપવામાં આવ્યા છે. કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોના સંભવિત સ્થળાંતરને ધ્યાને રાખી 106 જેટલા શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા હતા. સાવચેતીના ભાગરૂપે શહેરના તમામ મોટા હોર્ડિંગ્સ પણ ઉતારી લેવાયા હતા.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર નિસર્ગ વાવાઝોડું હલ સુરતથી 700 કિલોમીટર દૂર છે. 3 અને 4 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના દમણ તેમજ ઉત્તર મહારાષ્ટ્ર હરિહરેશ્વર રાયગઢ વચ્ચેથી વાવાઝોડું પસાર થવાની આગાહી હતી. હવે તેની સીધી અસર દક્ષિણ ગુજરાત પર જોવા મળી શકે તેવી શક્યતા નથી. સુરતના સુવાલી બીચ પર વાવાઝોડાની આગાહીના પગલે સાત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યાં જરૂર પડ્યે સ્થળાંતર કરવાની ફરજ પડે તેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. હવે આ વાવાઝોડું ફંટાઈને મહારાષ્ટ્ર તરફ વળતાં ગુજરાત પરથી ખતરો ટળ્યો છે પણ માહારાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર બની શકે છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો