Placeholder canvas

કોરોનાથી થયેલા મોત પર સરકારે વળતર નક્કી કર્યું, કેટલા રૂપિયા મળશે? જાણવા વાંચો

 સુપ્રીમ કોર્ટે દેશમાં કોરોનાથી થયેલા તમામ મોત માટે વળતર આપવા કહ્યું હતું. કોર્ટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને કહ્યું હતું કે તે છ સપ્તાહમાં વળતરની રકમ નક્કી કરી રાજ્યોને જાણકારી આપે

કોરોનાથી મોત થવા પર વળતર નક્કી થઇ ગયું છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)એ સુપ્રીમ કોર્ટને આ વાતની જાણકારી આપી છે. તમામ મૃતકના પરિવારને 50 હજાર રૂપિયા વળતર આપવામાં આવશે. આ પૈસા રાજ્યોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડમાંથી પ્રાપ્ત થશે. વાસ્તવમાં કોર્ટે લઘુતમ વળતર અંગે માર્ગદર્શિકા માંગી હતી.

ગત 30 જૂનના રોજ આપેલા પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે દેશમાં કોરોનાથી થયેલા તમામ મોત માટે વળતર આપવા કહ્યું હતું. કોર્ટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને કહ્યું હતું કે તે છ સપ્તાહમાં વળતરની રકમ નક્કી કરી રાજ્યોને જાણકારી આપે. કોર્ટે માન્યું હતું કે આ પ્રકારની આફતમાં લોકોને વળતર આપવાની સરકારની વૈધાનિક ફરજ છે. પરંતુ વળતરની રકમ કેટલી હોવી જોઇએ તે અંગેનો નિર્ણય સરકાર કરે તેવું કોર્ટે કહ્યું હતું.

આ મામલાની અરજીકર્તાએ દલીલ આપી હતી કે હોસ્પિટલમાંથી મૃતકોને સીધા અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવી રહ્યા છે. તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું નથી. એટલું જ નહી તેમના ડેથ સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના લખવામાં આવી રહ્યું નથી. એવામાં જો વળતરની યોજના શરૂ કરવામાં આવે તો લોકો તેનો લાભ લઇ શકશે નહીં. જેના પર કોર્ટે કહ્યું હતું કે કોરોનાથી મરનારાઓના ડેથ સર્ટિફિકેટમાં મોતનું કારણ સ્પષ્ટ લખવું જોઇએ. સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવે. જો અગાઉ ડેથ સર્ટિફિકેટ જાહેર કરી દેવામાં આવ્યા હોય તો તે અંગે કોઇ પરિવારને ફરિયાદ હોય તો તેનો ઉકેલ પણ લાવવામાં આવે.

આ સમાચારને શેર કરો