Placeholder canvas

વાંકાનેરમાં કોરોનાની સ્ફોટક સ્થિતિ : ઓક્સિજનના અભાવે 3 કોરોના પેશન્ટના મોત

વાંકાનેર તાલુકાની એકમાત્ર સરકારી હોસ્પિટલને માત્ર ઓક્સિજનના બે બાટલા જ ફાળવાયા, ડોક્ટર, નર્સ અને રેમડેસીવીર ઇન્જેક્સનની પણ અછત

વાંકાનેર : જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ઘોરબેદરકારીના કારણે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો ફાળવવામાં ન આવતા 3 કોરોના પોઝિટિવ અને એક નેગેટિવ સહીત કુલ ચાર દર્દીના ગઈકાલે મૃત્યુ નિપજ્યા હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે. અત્યંત ગંભીર બાબત તો એ છે કે વાંકાનેર તાલુકામાં કોરોનાની સ્ફોટક સ્થિતિ વચ્ચે હાલમાં ડોક્ટર, નર્સ અને રેમડેસીવીર ઇન્જેક્સનની પણ અછત હોવાથી તબીબો ધારે તો પણ તમામ મોરચે પહોંચી શકે તેમ ન હોવાનું કબુલી રહ્યા છે.

હવે વાંકાનેરમાં કોરોના વિકરાળ બન્યો છે અને નઘરોળ તંત્ર દ્વારા વાંકાનેર સિવિલ હોસ્પિટલને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનના બાટલા ફાળવવામાં ન આવતા ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓના શ્વાસ ગઈકાલે થમ્ભી ગયા હતા. આ ઉપરાંત એક નેગેટિવ આવેલા દર્દીને પણ શ્વાસ ચડી જતા ઓક્સિજન ન મળી શકતા રાજકોટ રીફર થાય તે પહેલા જ મૃત્યુ નીપજ્યું હતું.

બીજી તરફ વાંકાનેરની હોસ્પિટલમાં ફરજ બજાવતો નર્સિંગ સ્ટાફ કોરોના સંક્રમિત થતા હાલમાં માત્ર છ જેટલા નર્સિંગ સ્ટાફ અને બે ડોક્ટર્સની મદદથી વેક્સિનેશન, કોરોના ટેસ્ટિંગ અને કોરોનાના ગંભીર દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે અને તબીબ 72-72 કલાક સુધી સતત ખડેપગે સેવા આપી ખરા અર્થમાં કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી રહ્વા છે.

મોરબીનુ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ તમામ મોરચે નિષ્ફ્ળ નીવડ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે વાંકાનેરના એક તબીબનો કોન્ટ્રાકટ રીન્યુ ન કરવામાં આવતા આ ડોક્ટરની હોસ્પિટલને ખોટ પડી રહી છે. એ જ રીતે સીવીલને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સિલિન્ડર અને રેમડેસીવીર ઇન્જેક્શનનો પૂરતો જથ્થો આપવામાં ન આવતા દર્દીઓ ભગવાન ભરોસે મુકાયા છે.

નોંધનીય છે કે કોરોનાની બેકાબુ સ્થિતિ વચ્ચે વાંકાનેરમાં આવેલી એકમાત્ર ખાનગી લેબોરેટરીમાં હવે કોરોના ટેસ્ટ બંધ કરાયા છે તો વાંકાનેર તાલુકાના નાના એવા અરણીટીમ્બા ગામમાં પણ કોરોના પોઝિટિવ કેસનો રાફડો ફાટ્યો હોવાનું અને રાજકોટ સારવાર દરમિયાન કેટલાક દર્દીના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે.

આ સમાચારને શેર કરો