Placeholder canvas

મોરબી: નિયામકની મંજૂરી વિના સસ્પેન્ડ કરેલા ચાર શિક્ષકોના ફરજ મોકૂફી ઓર્ડર રદ

મોરબીના પૂર્વ ડીપીઈઓએ સસ્પેન્ડ કરેલા ચાર શિક્ષકોના ફરજ મોકૂફી ઓર્ડર રદ કરાયા.

મોરબી : મોરબીના પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન શિક્ષકોને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પૈકી પાંચ શિક્ષકોને ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણના નિયામકની મંજૂરી વિના ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા હતા. જે બાબતે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા લડત ચલાવી ઉચ્ચ કક્ષાએ રાજુઆત કરતા પાંચમાંથી ચાર શિક્ષકોનો સસ્પેન્શન ઓર્ડર રદ કરવામાં આવ્યો છે.

સરકારના નિયમાનુસાર સરકારી શિક્ષકને કોઈપણ ગુના સબબ ફરજ મોકૂફ કરવાના થાય તો રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગની મંજૂરી મેળવવી આવશ્યક છે. પરંતુ તાત્કાલિક અસરથી ફરજ મોકુફ કરવા જેવી પરિસ્થિતિ હોય તો તે શિક્ષકને ફરજ મોકૂફ કર્યા બાદ 35 દિવસમાં મંજૂરી મેળવવી જરૂરી છે. ત્યારે તત્કાલીન ડીપીઈઓ મયુર પારેખ દ્વારા મોરબીના રોહિત આદ્રોજા, ટંકારાના હિંમતલાલ ભાગીયા અને ગજેન્દ્રભાઈ કારેલીયા તથા માળિયા (મી.)ના કેતનપુરી ગોસ્વામી અને હસીનાબેન પાયકને અલગ-અલગ સમયે વિવિધ કારણોસર ફરજ મોકુફીના આદેશ આપવામાં આવ્યા હતા. પરંતુ આ શિક્ષકોને સસ્પેન્ડ કરતા પહેલા રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગની મંજૂરી લેવામાં આવી નહતી.

નિયમ વિરુદ્ધ શિક્ષકોને સપસેન્ડ કરવા અંગે મોરબી જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા તથા મહામંત્રી દિનેશભાઇ હુંબલએ રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને રજૂઆત કરી હતી. જેને નિયામક દ્વારા માન્ય રાખવામાં આવી છે. આથી, શિક્ષકો હિંમતલાલ ભાગીયા, ગજેન્દ્રભાઈ કારેલીયા, કેતનપુરી ગોસ્વામી અને હસીનાબેન પાયકના ફરજ મોકૂફીના આદેશોને રદબાતલ કરવામાં આવ્યા છે. જયારે રોહિતભાઈ આદ્રોજાને કોર્ટમાં મેટર ચાલતી હોવાથી તેનું સસ્પેન્શન યથાવત રાખવામાં આવેલ છે. આમ મોરબી જિલ્લાના શિક્ષકોને પૂર્વ ડીપીઈઓ દ્વારા ખોટી રીતે સસ્પેન્ડ કરી તેમને અન્યાય કરવા બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કાયદેસરની લડત ચલાવી શિક્ષકોને ન્યાય અપાવ્યો હતો.

આ સમાચારને શેર કરો