Placeholder canvas

સાઉદી જગતનું પ્રથમ કાર-મુક્ત શહેર બનાવશે, માત્ર પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ

– શહેર 170 કિલોમીટર લાંબું, વાહન માટે રસ્તો નહીં, કોઈ શેરી પણ નહીં

– સાઉદી કુંવર સલમાનનો 500 અબજ ડૉલરનો ડ્રીમ પ્રોજેક્ટ : કાર્બન ઉત્પાદન શૂન્ય : સ્કૂલ-દવાખાના-સરકારી ઓફિસો પાંચ મિનિટના અંતરે

સાઉદી અરબે જગતના પ્રથમ કાર-ફ્રી સિટીની જાહેરાત કરી છે. સાઉદી કુંવર મહમદ બિન સલામાને પોતે ટીવી પર આવીને તેની જાહેરાત કરી હતી. આ શહેર 170 કિલોમીટર લાંબુ અને પાતળી પટ્ટી જેવું હશે. શહેરમાં ક્યાંય કાર કે અન્ય વાહનો માટે રોડ નહીં હોય, પરંતુ ચાલકો માટે ફૂટપાથ હશે. એ રીતે ક્યાંય શેરી પણ નહીં હોય.

તેની સામે એકથી વધુ પ્રકારના અવિરત ચાલનારા ઓટોમેટિક પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા હશે. નિઓમ નામના આ પ્રોજેક્ટ માટે સાઉદી અરબે 500 અબજ ડૉલરનું તોતિંગ બજેટ ફાળવ્યું છે. પબ્લિક ટ્રાન્સપોર્ટની સગવડને કારણે ટ્રેન-મેટ્રો કે અન્ય ઓટોમેટિક ટ્રાન્સપોર્ટમાંથી ઉતરીને વ્યક્તિ ચાલીને પોતાના ઘરે પહોંચી શકશે.

શહેરનો રસ્તો પણ 3 માળનો હશે. પહેલો માળ ફૂટપાથ તરીકે વપરાશે, તેની નીચેનો માળ સર્વિસ એરિયા અને તેની નીચેનો માળ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે વપરાશે. આ શહેરનું કાર્બન ઉત્પાદન શૂન્ય રાખવાનો સાઉદીનો ઈરાદો છે. આ પ્રોજેક્ટ દ્વારા 2030 સુધીમાં જ પોણા ચાર લાખ નોકરીઓ પણ સર્જાશે.

દસ લાખ સુધીની વસ્તીના આ શહેરમાં તમામ સુવિધાઓ એવી રીતે ઉભી કરાશે કે કોઈ પણ વ્યક્તિ પાંચ મીનિટ ચાલીને ત્યાં પહોંચી શકે, પછી એ સ્કૂલ હોય કે દવાખાનુ હોય. કોઈ વ્યક્તિએ ગમે તે સુવિધા મેળવવા મહત્તમ 20 મિનિટ વોકિંગ કરવું પડશે.

શહેરની તમામ સુવિધાઓ અને નોકરીઓ ફાઈવ-જી ઈન્ટરનેટ સાથે જોડાયેલી હશે. એ માટે અહીં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, રોબોટિક સુવિધા વગેરેનો વ્યાપક ઉપયોગ થશે. દેશના ઉત્તર-પશ્ચિમ છેડે રાતા સમુદ્રના કાંઠે ખાલી પડેલી જમીનમાં આ પ્રોજેક્ટ 10000 ચોરસ માઈલમાં ફેલાશે. 

મહમદ બિન સલમાન સામાન્ય રીતે ટીવી પર ભાષણ આપતા નથી. પરંતુ આ પ્રસંગે રેર કહી શકાય એવા ભાષણમાં તેમણે કહ્યુ કે પ્રદૂષણથી વર્ષે 70 લાખ નાગરિકો મૃત્યુ પામે છે. માટે હવે ભવિષ્યની જરૂર પ્રમાણેના નગર બાંધવાનો સમય આવી પહોંચ્યો છે. શહેરની તમામ ઊર્જા રિન્યુએબલ હશે અને સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત રીતે પેદા કરાશે.

આ સમાચારને શેર કરો