Placeholder canvas

જીલ્લા બેંક ચૂંટણી: રાજકોટ તાલુકા બેઠક પર સમાધાન; વિજય સખીયા ફોર્મ પાછુ ખેંચશે

રાજકોટ જીલ્લા સહકારી બેંકની રાજકોટ તાલુકાની બેઠક પર બળવો થયા બાદ ફરી વખત સમાધાનનો તખ્તો તૈયાર થઈ ગયો છે. બળવો કરીને ફોર્મ ભરનાર વિજય સખીયા ઉમેદવારીપત્રક પાછુ ખેચી લ્યે તેવા નિર્દેશ છે.

આગામી 26મીએ યોજાનારી જીલ્લા બેંકની ચૂંટણી માટે સતાધારી જયેશ રાદડીયા જૂથના તમામ 17 ઉમેદવારોએ ગઈકાલે ફોર્મ ભરી દીધા હતા. રાજકોટ તાલુકાની બેઠકમાં જબ્બર ખેંચતાણ વચ્ચે શાસક પેનલે શૈલેષ ગઢીયાનું નામ પસંદ કરતા જૂથવાદનું ભૂત ધુણ્યુ હતું.

રાજકોટ તાલુકામાં સહકારી રાજકારણમાં વર્ચસ્વ ધરાવતા હરદેવસિંહ જાડેજા જૂથ નારાજ થયુ હતું. આ જૂથના વિજય સખીયાને મેદાનમાં ઉતાર્યા હતા. સહકારી ક્ષેત્રમાં ભાજપનો જ દબદબો છે. ભાજપના જ આંતરિક જૂથવાદમાં બળવો થતા મોવડીમંડળ સુધી પ્રત્યાઘાતો પડયા હતા અને સ્થિતિ સંભાળી લેવાના આદેશો થયા હતા. સૂત્રોએ કહ્યું કે ગઈ સાંજે જ જીલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડીયા તથા બળવો કરનારા વિજય સખીયા, હરદેવસિંહ જાડેજા વગેરે આગેવાનોની બેઠક થઈ હતી. દોઢેક કલાક ચાલેલી બેઠકમાં અન્યાય તથા જુના મનદુ:ખ ઉભર્યા હતા છેવટે સમાધાનનો તખ્તો તૈયાર થઈ ગયો હતો.

બળવો કરનાર વિજય સખીયાએ સ્વીકાર્યુ કે ઘણી ગેરસમજણો દૂર થઈ ગઈ છે. વાત સમાધાન સુધી આવી ગઈ છે. મોટાભાગે પોતે ફોર્મ પાછુ ખેંચી લેશે. જો કે, ફોર્મ પાછા ખેંચવાની તારીખ 13મી છે એટલે ત્યાં સુધીમાં નકકર નિર્ણય લઈ લેવામાં આવશે.

જીલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડીયાએ પણ કહ્યું કે સાંજે બેઠકો થઈ હતી. બધા ભાજપના જ છે. તેઓની રજુઆત સાંભળી હતી. યોગ્ય વાત પેશ કરી હતી. તેઓએ સંતોષ દર્શાવ્યો હતો અને ફોર્મ પાછુ ખેંચવા સહમતી દર્શાવી હતી એટલે મોટા ભાગે ફોર્મ પાછુ ખેંચાઈ જશે.

રાજકોટ તાલુકા બેઠક પર બળવો ડામી દેવાના સંજોગોમાં માત્ર શહેરી શરાફી બેઠક પર જ ચૂંટણી થવાની શકયતા છે. બાકીની 16 બેઠકો બીનહરીફ થશે. આવતા સપ્તાહમાં ચિત્ર સ્પષ્ટ થશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો