Placeholder canvas

રાજકોટ ડેરીના ચેરમેનપદે ગોરધન ધામેલીયા બિનહરીફ

રાજકોટ: જિલ્લાના સહકારી ક્ષેત્રમાં ડિસ્ટ્રીક્ટ બેંક બાદ બીજા નંબરની મોટી સહકારી સંસ્થા રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન તરીકે રાદડીયા જૂથના વિશ્ર્વાસુ મનાતા ગોરધન ધામેલીયાની આજે સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જયારે છેલ્લા 17 વર્ષથી ડેરીના ચેરમેનપદે રહેલા ગોવિંદભાઇ રાણપરીયાના શાસનનો અંત આવ્યો હતો.

આજે સવારે રાજકોટ ડેરી ખાતે નવા ચૂંટાયેલા ડિરેક્ટરોની પ્રથમ બોર્ડ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પૂર્વ ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાએ જ ગોરધનભાઇ ધામેલીયાને નવા ચેરમેન બનાવવા માટેની દરખાસ્ત મુકતા તમામ સભ્યોએ હાથ ઉંચો કરી સહમતી આપતા ગોરધનભાઇ ધામેલીયાની ડેરીના ચેરમેન તરીકે બિનહરીફ વરણી થઇ હતી.

રાજકોટ જિલ્લામાં મહત્વનું સ્થાન ધરાવતા રાજકોટ દૂધ ઉત્પાદક સંઘના સુકાની માટે આજે ચૂંટણી યોજાવાની હતી તે પૂર્વે સહકારી ક્ષેત્રે પિતા વિઠ્ઠલભાઇ રાદડીયા પછી પ્રભુત્વ ધરાવતા કેબીનેટમંત્રી જયેશ રાદડીયાએ રાજકોટ ડેરીના ડિરેક્ટરો સાથે રવિવારે જામકંડોરણા ખાતે બેઠક યોજી હતી અને તેમાં નવા ચેરમેન અંગે ચર્ચા-વિચારણા કરતા વર્તમાન ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાએ જ ગોરધનભાઇ ધામેલીયાને સુકાન સોંપવાની રજુઆત કરી હતી. જેની સાથે કેબીનેટમંત્રી જયેશ રાદડીયા તેમજ તમામ ચૂંટાયેલા ડેરીના સભ્યો પણ સહમત થતા આજે કોઇપણ વાદ-વિવાદ વગર ડેરીના ચેરમેનની ચૂંટણી સંપન્ન થઇ હતી.

રાજકોટ ડેરીના નવા ચેરમેન બનેલા ગોરધનભાઇ ધામેલીયા છેલ્લા 30 વર્ષથી સહકારી તેમજ પંચાયત કક્ષાના રાજકારણમાં સક્રીય આગેવાન છે. આ અગાઉ તેઓ રાજકોટ જિલ્લા પંચાયતમાં સભ્ય રહી ચૂક્યા છે તેમજ રાજકોટ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર તરીકે પણ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઇ રાદડીયાના વિશ્ર્વાસુ ટેકેદાર તરીકે વર્ષોથી સેવા આપી રહ્યા છે. મૂળ વિરપુરના વતની અને જલારામ મંદિર જેવી સેવાભાવી સંસ્થા સાથે જોડાયેલા ગોરધન ધામેલીયા રાજકારણમાં પણ એક બીનવિવાદાસ્પદ અને સ્વચ્છ પ્રતિભા ધરાવે છે.

આજે ડેરીના ચેરમેનની ચૂંટણી સમયે કેબીનેટમંત્રી જયેશ રાદડીયા ખૂદ હાજર રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, ધારાસભ્યો અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, રા.લો. સંઘના ચેરમેન નીતીન ઢાંકેચા ઉપરાંત રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકના તમામ ડિરેક્ટરો તથા જિલ્લાના સહકારી ક્ષેત્રના વિવિધ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવા ચેરમેન ધામેલીયાને શુભેચ્છા પાઠવી હતી.

ડેરીને લાંછન ન લાગે તવું કામ કરીશ : ગોરધન ધામેલીયા

રાજકોટ ડેરીના ચેરમેન પદે ચૂંટાયા બાદ ગોરધનભાઇ ધામેલીયાએ પત્રકારોની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 65 હજાર જેટલા દૂધઉત્પાદકોને આર્થિકરીતે મદદરૂપ થતી આ સહકારી સંસ્થાને લાંછન લાગે નહીં તેવી કામગીરી કરીશ. તેમણે જણાવ્યું હતું કે રાજકોટ ડેરી જે દિશામાં આગળ વધી રહી છે તે યોગ્ય દિશા છે. ગોવિંદભાઇ રાણપરીયાએ ડેરીનું ટર્નઓવર રૂા.75 કરોડથી વધારુ 860 કરોડએ પહોંચાડ્યું છે. તે નાનીસૂની વાત નથી.

ડેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપોનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારની વાતોને રાજકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે. સહકારી ક્ષેત્રમાં પાયા વગરના આક્ષેપોને કોઇ સ્થાન નથી. આટલી મોટી સંસ્થા કેવી રીતે ચાલે છે તે સૌઓ જોવું જોઇએ. જો ભ્રષ્ટાચાર ચાલતો હોત તો ડેરીનો આટલો વિકાસ થયો જ નહોત. પશુપાલકોની વૃધ્ધિ થાય તેજ અમારું લક્ષ્ય છે. આગામી દિવસોમાં ડેરીનો વિકાસ અવિરત ચાલુ જ રહેશે. અંતમાં તેમણે ચેરમેન બનાવવા બદલ કેબીનેટમંત્રી જયેશભાઇ રાદડીયા તથા પૂર્વ ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાનો આભાર પણ માન્યો હતો.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો