Placeholder canvas

રાજકોટનું ‘ધમણ’ હાંફી ગયું…!!!

PM કેરના લિસ્ટમાંથી પડતું મુકાયું, સરકારે બચાવમાં આકાશ-પાતાળ એક કર્યાં હતા.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાતોએ મે મહિનામાં જ ‘ધમણ’ નિષ્ફળ હોવાની નોંધ સરકારી રેકર્ડ પર મૂક્યા પછી ગુજરાત સરકારે આ વેન્ટિલેટરના ઉત્પાદક રાજકોટની કંપની જ્યોતિ CNCને બચાવવા આકાશ પાતાળ એક કર્યું હતું. એ જ કંપનીના વિવાદાસ્પદ વેન્ટિલેટર ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના ક્લિનિકલ ટ્રાયલમાં ફેલ ગયા છે. એટલુ જ નહી, રાજકોટની જ્યોતિ CNCને PM કેર ફંડમાંથી પડતી મૂકવામાં આવી હોવાનો ખુલાસો RTIના જવાબમાં થયો છે.

કોરોના જેવી મહામારીમાં અર્થોપાર્જનની નવી તક શોધવા રાજકોટની કંપનીના ઉતાવળિયા પ્રયાસો, તદ્દન બિન અનુભવી કંપનીને રાજ્ય સરકારના ખુલ્લેઆમ સમર્થનથી ગુજરાત મોડલની આબરૂને પણ ધક્કો પહોંચ્યો છે, વૈશ્વિક સ્તરે ધજાગરા ઊડયા છે. એ વખતે પુડુચેરી, મહારાષ્ટ્ર જેવા બીજા રાજ્યો તેમજ વિશ્વના અનેક દેશોમાં વેન્ટિલેટરના ઓર્ડર લઈ ચૂકેલી જ્યોતિ CNCના ધમણ વેન્ટિલેટરના બચાવમાં ગુજરાત સરકારના અધિકારી-પદાધિકારીઓએ પોતાના જ ડોક્ટર્સ, મેડિકલ ડિવાઈસિસ એક્સપર્ટને ખોટા સાબિત કરવા મેદાને ઉતાર્યા હતા. આથી, ગુજરાત સરકારે ૧૫-૨૦ દિવસ સુધી જેના સમર્થનમાં દાવા- દલીલો કરી હતી તે ‘ધમણ’ દિલ્હીમાં હાંફી ગયું છે.

ભારત સરકારે ભારતમાં જ સ્વદેશી બનાવટના વેન્ટિલેટરને પ્રોત્સાહન આપવા PM કેર દ્વારા અનેક ઉત્પાદક કંપનીઓને ભંડોળ પૂરું પાડયું હતું. RTI એક્ટિવિસ્ટ અંજલી ભારદ્વાજે માંગેલી માહિતીમાં જણાવાયુ છે કે, PM કેર ભંડોળની ફાળવણી કરવામાં આવી ત્યારે જ્યોતિ CNC ઓટોમેશન અને આંધ્રપ્રદેશની મેડટેક ઝોન (AMTZ) એમ બે કંપનીઓને રૂ.૨૨.૫૦ કરોડ એડવાન્સ પેમેન્ટ તરીકે અપાયા હતા. જો કે, આ બેઉ કંપનીઓને જુલાઈ મહિનામાં જ ભારત સરકારની યાદીમાંથી પડતી મૂકવામાં આવી છે. અગાઉ ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ- DGHSના વડપણ હેઠળ રચેયેલી ટેકનિકલ ક્લિનિકલ કમિટીએ ઉપરોક્ત બેઉ કંપનીના વેન્ટિલેટરની ખરીદીની ભલામણ કરી હતી. જો કે, ૨૦મી જુલાઈ પછીની યાદીમાં આ બેઉ કંપનીઓ ઉપર ચોકડી મારી દેવાઈ હતી. કારણ કે, આ કંપનીઓ દ્વારા તૈયાર થયેલા વેન્ટિલેટર ક્લિનિકલ ટ્રાયલમાં જ નિષ્ફળ નિવડયા છે.

જ્યોતિ CNCએ PM કેર ફંડમાંથી રૂપિયા આઠ કરોડ એડવાન્સ લીધા

ગુજરાતમાં જ્યોતિ CNCએ પહેલુ ‘ધમણ’ વેન્ટિલેટર અમદાવાદ સિવિલમાં મૂક્યા બાદ ગુજરાત સરકારે આ કંપનીને બીજા ૧૦૦૦ વેન્ટિલેટરનો ઓર્ડર આપ્યો હતો. બાદમાં, ૧૩મી મેના રોજ PM કેર ફંડ દ્વારા પણ સ્વદેશી વેન્ટિલેટર માટે ભંડોળની ફાળવણી કરવાનું જાહેર થયું હતું.કોરોનાની આફત સામે માનવજાતને બચાવવાના નામે ૫૦ હજાર મેડ ઈન ઈન્ડિયા વેન્ટિલેટર ખરીદવા રૂપિયા બે હજાર કરોડની ફાળવણી પણ થઈ હતી. રાજકોટની જ્યોતિ CNCએ ગુજરાત સરકારના અધિકારી- પદાધિકારીઓના મોંઢે ‘ધમણ’ વેન્ટિલેટરની વાહવાહી કરાવીને PM કેર ફંડમાંથી રૂપિયા આઠ કરોડ એડવાન્સ પેટે પણ લઈ લીધા હતા.

સુપરિન્ટેન્ડેન્ટે ‘ધમણ’ની પોલ ખોલી, સરકારે લીપાપોતી કરી

૧૫ મેના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો.જે.વી.મોદીએ ‘ધમણ’ વેન્ટિલેટર કોરોનાના દર્દીઓની સારવારમાં અસરકારક નથી થઈ ત્યારે તેવો રિપોર્ટ સરકારને સોંપ્યો ત્યારે ગુજરાત સરકારે તે સમયે તેનો વપરાશ બંધ કરવાને બદલે ‘હાઈ એન્ડ’ અને ‘નેઝલ કેન્યુલા’ જેવા વધારાના ઉપકરણો દ્વારા રૂપિયા એક લાખના ‘ધમણ’ને અપગ્રેડ કરવા એક વેન્ટિલેટર દિઠ રૂપિયા ત્રણ લાખ સુધીનો ખર્ચ કરવા નવા ઓર્ડર આપવાનું જાહેર કર્યું હતું. જો કે, આખુંય કૌભાંડ બહાર આવે તેવી ભનક આવતા સરકારે આ ઓર્ડર ઉપર આગળ વધવાનું મુલતવી રાખ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કપ્તાન ન્યૂઝ સાથે.

https://chat.whatsapp.com/JFLfJIohOrGK3nenYQzLTN

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ પ્લેસ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો  કપ્તાનની નવી મોબાઇલ એપ્લિકેશન

આ સમાચારને શેર કરો