Placeholder canvas

F.S.L.નો ધગધગતો રિપોર્ટ; સરકારી-ખાનગી હોસ્પિટલ પર તૂટી પડવા આદેશ

રાજકોટ : રાજકોટનાં મવડી વિસ્તારમાં આનંદ બંગલા ચોક પાસે આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગુરુવારે મધરાત્રે આઈસીયુ વોર્ડમાં લાગેલી ભીષણ આગમાં પાંચ કોરોના પોઝીટીવ વ્યક્તિઓના કરુણ મોત થયાની ગમખ્વાર ઘટનામાં એફએસએલનો પ્રાથમીક ધગધગતો રિપોર્ટ આવી ગયો છે. રાજય સરકારે આ દુર્ઘટનાની તપાસનો આદેશ અગ્રસચિવ એ.કે.રાકેશને સોંપી છે. ગઈકાલે રાજકોટ આવી પહોંચેલા એ.કે.રાકેશે હોસ્પીટલની સ્થળ તપાસ કરી હતી અને મોડીસાંજે રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં તમામ ટોચના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી.

રાજકોટમાં આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગુરૂવારે મધરાત્રે આઈસીયુ વોર્ડમાં લાગેલી આગની દુર્ઘટનામાં પાંચ વ્યક્તિઓના મૃત્યુ નિપજયા બાદ રાજય સરકારના અગ્રસચિવ એ.કે.રાકેશે સ્થળ તપાસ કરી હતી તેમની સાથે તમામ ખાતાના અધિકારીઓ જોડાયા હતા. પ્રાથમિક તબકકે ઓકસીજન ઓવરફલો અને શોર્ટસર્કીટના કારણે આગ લાગ્યાનું તારણ નિકળ્યું છે. આ ઘટનાની એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેનો પ્રાથમીક અહેવાલ ગઈકાલે મોડીરાત્રે અગ્રસચિવ એ.કે.રાકેશને સોંપી દેવામાં આવ્યો છે. રાજયના અગ્રસચિવ એ.કે.રાકેશે જીલ્લા કલેકટર કચેરી ખાતે ગઈકાલે તમામ ટોચના અધિકારીઓ સાથે યોજેલી મહત્વની બેઠકમાં રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આવી કોઈ દુર્ઘટના ફરીથી ન બને તેની કાળજી લેવા મુદે વિવિધ મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જે સંદર્ભે જીલ્લા કલેકટર તંત્ર, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતને આજથી શહેર અને જિલ્લાની તમામ સરકારી અને ખાનગી હોસ્પીટલોમાં આઈસીયુ વોર્ડ, ઓકસીજન પ્લાન્ટ, વાઈરીંગ સહિતના અનેક મુદાઓને ધ્યાનમાં લઈને ટેકનીકલ તપાસ માટે ઉતારી દેવામાં આવી છે. આજ સવારથી અલગ અલગ 20 જેટલી ટુકડીઓ શહેર અને જિલ્લાની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ચકાસણી માટે ઉતરી પડી છે.

રાજકોટ આવી પહોંચેલા ગુજરાત રાજયના અગ્રસચિવ એ.કે.રાકેશે ગઈકાલે મોડીસાંજે કલેકટર કચેરી ખાતે તમામ ખાતાના અધિકારીઓ સાથે કરેલી મીટીંગમાં સમગ્ર ઘટનાની અલગ અલગ એન્ગલો પરથી શરુ કરવામાં આવેલી તપાસમાં તમામ ખાતાના અધિકારીઓએ સંકલનમાં રહેવાની કડક તાકીદ કરી હતી. બીજી તરફ રાજકોટ જિલ્લા કલેકટરે અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા પાંચ કોરોના પોઝીટીવ દર્દીઓના સ્વજનોને ચાર લાખ રૂપિયાની રાજય સરકારની સહાય ચૂકવવા માટેની દરખાસ્ત જીલ્લા કલેકટરે રાજય સરકારને મોકલી આપી છે.

દરમ્યાન વહીવટીતંત્રના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ ગુરુવારે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં એફએસએલ દ્વારા બે દિવસથી હોસ્પીટલ સાઈટ પર તપાસ કરવામાં આવી રહી છે અને નમુનાઓ લેવામાં આવ્યા છે જેનું પૃથ્થકરણ એફએસએલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. એફએસએલ લેબોરેટરીનો આખરી રિપોર્ટ સોમવાર સુધીમાં અગ્રસચિવ એ.કે.રાકેશને સોંપી દેવામાં આવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે રાજયના અગ્રસચિવ એ.કે.રાકેશે તમામ ખાતાના ટોચના અધિકારીઓ સાથે રાજકોટ સર્કીટ હાઉસમાં સવારે 11 વાગ્યે મહત્વની બેઠક યોજી હતી જેમાં અગ્નિકાંડ મુદે વિવિધ પાસાઓની ચાલી રહેલી તપાસની સમીક્ષાઓ કરી હતી તેવું ટોચના સૂત્રોએ અંતમાં ઉમેર્યું હતું.

આ સમાચારને શેર કરો