Placeholder canvas

રાજકોટ: જનેતાએ પુત્રની હત્યા કરીને કહ્યું, મારાથી ભૂલ થઈ ગઈ..!

રાજકોટમાં 17 વર્ષના પુત્રની સગી માતાએ ગળાટૂંપો દઈ હત્યા કરી: પુત્ર શેટી પરથી પડી ગયો હોવાની વાત કહી બનાવને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો: પી.એમ રિપોર્ટ બાદ ભાંડો ફૂટ્યો

રાજકોટ: શહેરના રણછોડવાડી વિસ્તારમાં 17 વર્ષના પુત્રની તેની સગી માતાએ જ ગળા ટૂંપો આપી હત્યા કરી નાંખી હતી.હત્યા બાદ બનાવને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો.પરંતુ પી.એમ રિપોર્ટ બાદ હત્યા થયાનું સ્પષ્ટ થયું હતું.પોતાનો ભાંડો ફૂટી ગયા બાદ મહિલાએ પોતાના પતિને કહ્યું હતું કે, મારી ભૂલ થઈ ગઈ, હું પુત્રની બીમારીથી કંટાળી ગઈ હતી.માટે તેની હત્યા કરી નાંખી પોલીસે મહિલા પાસેથી દુપટો તેમજ જે સિલાઈ મશીનમાં આ દુપટ્ટો બાંધ્યો હતો.તે કબ્જે કર્યું છે.તેમજ આ મહિલાને આજે રિમાન્ડની માંગણી સાથે આજે કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે.

હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મૂળ પડધરીના ખોખરી ગામના વતની અને હાલ રણછોડવાડી શેરી નં. 17માં રહેતાં કિશોરભાઇ પોપટભાઇ ડાંગરિયા 17 વર્ષના પુત્ર પ્રિન્સનું સેટી પરથી પડી જતાં બેભાન થઇ જવાથી મૃત્યુ થયાની પોલીસમાં જાહેરાત થઇ હતી. પોલીસે પ્રિન્સના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતાં તેને ગળાટુંપો આપવામાં આવતા મૃત્યુ થયાનું ખુલ્યું હતું. આ હત્યાનો બનાવનો ભેદ ઉકેલવા માટે ડીસીપી રવિમોહન સૈની, એ.સી.પી એસ.આર. ટંડેલના માર્ગદર્શન હેઠળ બી ડિવીઝન પોલીસ મથકના પીઆઇ વી.જે. ફર્નાનડીસ અને એ.એસ.આઈ ચોટાલિયા, મિતલબહેન ઝાલા, શબાનાબહેન, વિરમભાઇ ધગલ ચંદ્રસિંહ જનકસિંહ અને મહેશભાઇએ તપાસ શરૂ કરી હતી.

શંકાના દાયરામાં આવેલી મૃતક પ્રિન્સની માતા દક્ષાની યુકિત, પ્રયુકિતથી પુછપરછ શરૂ કરી હતી.પોલીસની પુછપરછમાં ભાંગી પડેલી જનેતાએ પુત્ર પ્રિન્સની ગળાટુંપો દઇને હત્યા કર્યાની કબુલાત આપતા એવું જણાવ્યું હતું કે, તેના 17 વર્ષના પુત્ર પ્રિન્સને જન્મથી મગજમાં ગાંઠ થઇ હતી. સારવાર કરાવવા છતાં તેની તબિયતમાં કોઇ સુધારો થતો ન હતો. મગજની ગાંઠની બીમારીના કારણે પુત્ર માનસિક બીમાર થઇ ગયો હતો તે પોતાની જાતે હરીફરી શકતો ન હતો.તેની અમદાવાદ અને રાજકોટમાં સારવાર ચાલતી હતી. એક ઓપરેશન પણ કરાવ્યું હતું. પુત્રની બીમારી તે જોઇ શકતી ન હતી તેમજ પુત્રની બીમારીથી કંટાળી પણ ગઇ હતી.અને અગિયારસ હોય અને સવારે સારુ મુહૂર્તે પુત્રને પતાવી દેવાનો નિર્ણય કર્યો હતો.

આ નિર્ણયના અંજામ આપવા પ્રથમ પુત્રને સેટી પરથી નીચે ઉતારીને લાદી પર સુવડાવી દીધો હતો. બાદમાં તેણે તેના દુપટ્ટાને ગોળ, ગોળ આંટી મારીને દોરડા જેવો બનાવ્યો હતો. તેનો એક છેડો સીલાઇ મશીનના પાયા સાથે બાંધ્યો હતો. એ પછી પુત્ર ગળા પર બે આંટી મારી દઇને નીચે બેસીને બીજો છેડો ખેંચીને ગળાટુંપો આપીને પતાવી દીધો હતો. આ હકીકત જાણીને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતાં.

આ બનાવ અંગે મૃતકના પિતા કિશોરભાઇ પોપટભાઇ ડાંગરિયાની ફરિયાદ પરથી તેની પત્ની દક્ષા સામે પુત્રના ખૂનનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. મહિલાને સંતાનમાં પુત્ર પ્રિન્સ ઉપરાંત 15 વર્ષની પુત્રી ધ્રુવી છે.પતિ કારખાનામાં મજુરીકામ કરે છે. પતિ ક્રાંતિ માનવ આશ્રમમાં સેવા માટે ગયો હતો.અને પુત્રી નાના ઘરે ગઈ હોય દક્ષાએ પુત્રની હત્યા કરી નાંખી હતી.પોલીસે મહિલા પાસેથી દુપટો તેમજ જે સિલાઈ મશીનમાં આ દુપટ્ટો બાંધ્યો હતો.તે કબ્જે કર્યું છે.તેમજ આ મહિલાને આજે રિમાન્ડની માંગણી સાથે આજે કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો