Placeholder canvas

રાજકોટ: વાંકાનેરના કિરણ સોનીની રૂા.86.50 લાખની રદ થયેલી નોટો પકડાઈ

રૂા.86.50 લાખની રદ થયેલી નોટોનો રૂા. 15 લાખમાં સોદો થયો હતો. આ નોટો કિરણ સોની વતી લેવા-દેવા ગયેલ વાંકાનેર તાલુકાના લુણસરનાં હરજીવન વસીયાણી અને સુરતનાં ભીખા નરોડીયાની ધરપકડ

રાજકોટ: નોટબંધી થયાના બે વર્ષ બાદ પણ રાજકોટના મવડી પોલીસ હેડ ક્વાર્ટસ નજીક આવેલી સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેથી ગઇકાલે રદ થયેલી રૂા. 1000 અને 500ના દરની જૂની નોટો ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી હતી. ધરપકડ કરાયેલા બે શખ્સોએ પોલીસને જણાવ્યું હતું કે રૂા. 96.50 લાખની આ નોટોને બદલવા 15 લાખમાં સોદો થયો હતો.

વિસ્તૃત વિગત મુજબ ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે સ્પિડ વેલ પાર્ટી પ્લોટ નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી ફીયાટ કાર નં. જીજે 03 એફકે 8120 ત્યાંથી પસાર થતા તેને અટકાવવામાં આવી હતી. અને કારમાં સવાર હરજીવનભાઈ રામજીભાઈ વસીયાણી (ઉ.52 રહે. લુણસર વાંકાનેર) અને ભીખાભાઈ લાલભાઈ નરોડીયા (ઉ.60 રહે. 204 ઓપેરા પ્રિન્સ એપાર્ટમેન્ટ એલ-1, પાસોદરા, ખોલવડ રોડ, સુરત)ની પુછપરછ કરતાં સંતોષકારક જવાબ મળ્યો નહોતો જેથી પોલીસે કારની ઝડતી લીધી હતી જે દરમિયાન કારમાંથી 1000 અને 500ના દરની જુની ચલણી નોટો મળી આવી હતી.

ગણતરી કરતા 500 વાળી 19224 તથા 1000ના દરની 38 નોટ મળી કુલ 8650000 થયા હતાં. આ સાથે એક લાખની કિંમતની કાર સહિતનો મુદ્દામાલ પોલીસે કબજા લીધો હતો. આરોપીઓએ આકરી પૂછપરછમાં જણાવ્યું હતું કે, આ નોટો વાંકાનેરના કિરણ સોનીની છે અને રાજકોટના કોઇ શખ્સ પાસે બદલાવી 96.50 લાખના બદલામાં 15 લાખ લેવાના હતાં. આ તમામ હેરફેર કરવા માટે આરોપી હરજીવનને 25 હજાર મળવાના હતાં.

જ્યારે ભીખા નરોડીયા સુરતથી આવ્યો ત્યારે હરજીવનને તેની સાથે રાજકોટ મોકલ્યો હતો. હરજીવન વાંકાનેરની ખાણમાં મજુરી કામ કરે છે. કીરણ સોની અને હરજીવન બન્ને વાંકાનેર તાલુકાના લુણસર ગામના હોવાથી પરિચયમાં હતાં. પોલીસે વાંકાનેરનાં આ સોની વેપારીને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે. બીજી તરફ નોટો બદલી આપવાનો હતો એ રાજકોટનો શખ્સ કોણ ? અને આટલી મોટી રકમ એકલા કિરણ સોનીની જ હતી કે અન્ય કોઇ પાર્ટનર પણ હતું ? તે દિશામાં તપાસનો ધમધમાટ શરુ થયો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો