Placeholder canvas

રાજકોટ ફાયરિંગ: મોડી રાત્રે PSI ચાવડાની ધરપકડ, ગુનો દાખલ

પીએસઆઈ પીપી ચાવડા સામે હત્યાનો ગુનો નોંધવામાં ન આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો મૃતકના પરિવારજનોનો ઇન્કાર.

રાજકોટ : શહેરના બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં બુધવારના રોજ સાંજે પોલીસ સબ ઈન્સ્પેકટરની સર્વિસ રિવોલ્વરની ગોળી વાગતાં હિમાંશુ ગોહેલ નામની વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક અને પી.એસ.આઇ ચાવડા છેલ્લા ઘણા સમયથી સંપર્કમાં હોવાનું પણ ખૂલ્યું છે. સાથે જ બે દિવસ પૂર્વે પીએસઆઇ ચાવડા હિમાંશુના સ્પા સેન્ટર બહાર મળ્યા હોવાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. આ મામલે પોલીસે મોડીરાત્રે પીએસઆઈ ચાડવાની ધરપકડ કરી છે. બીજી તરફ આ મામલે હત્યાનો ગુનો ન નોંધાય ત્યાં સુધી પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે.

ઘટનાની જાણ થતાં જ પીઆઈ, એસીપી, ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ જ બનાવ શંકાસ્પદ જણાયો હતો. આ મામલે પી.એસ.આઇ ચાવડા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. સાપરાધ મનુષ્ય વધની કલમ અંતર્ગત પી.એસ.આઇ ચાવડા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સાથે જ પી.એસ.આઇ ચાવડાની સર્વિસ રિવોલ્વર પણ કબજે કરવામાં આવી છે.

બીજી તરફ પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. સમગ્ર મામલે પરિવારજનોએ પોલીસ જ્યાં સુધી હત્યાનો ગુનો નહીં નોંધે ત્યાં સુધી લાશ ન સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે.

બનાવ વિગત

રાજકોટમાં ગઇ કાલે બુધવારે બસ સ્ટેશન પોલીસ ચોકીના PSIની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી છૂટી જતા એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો હતો. શહેરના એસ.ટી. સ્ટેન્ડની પોલીસ ચોકીમાં પી.એસ.આઈ પી.પી. ચાવડાની સર્વિસ રિવોલ્વર સાફ કરતા સમયે ટ્રીગર દબાઈ ગયું હતું અને અચાનક ગોળી છૂટી જતા ફાયરિંગ થયું હતું. આ દુર્ઘટનામાં હિમાંશુ ગોહેલ નામના એક વ્યક્તિનું મોત થયું છે. મૃતક હિમાંશુ પીએસઆઈનો મિત્ર જ હતો. પ્રાથમિક તપાસમાં એવી વિગત સામે આવી છે કે મૃતક યુવક રાજકોટમાં યોજાનારી ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયાની વન-ડે મેચની ટિકિટ આપવા માટે પોલીસ ચોકીમાં આવ્યો હતો.

આ સમાચારને શેર કરો