Placeholder canvas

રાજકોટ: ત્રિકોણબાગ પાસે બે વિદ્યાર્થી પર છરીથી હુમલો

રાજકોટ: શહેરના ત્રિકોણબાગ પાસે આજરોજ સરાજાહેર બે કોલેજીયન વિદ્યાર્થીઓને છરી ઝીંકી દીધાના બનાવથી ચકચાર મચી ગઈ હતી. હુમલામાં ઘવાયેલા બંને યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બંને પૈકી એકને કોલેજીયન યુવતી સાથે ફ્રેન્ડશીપ હોય જેની જાણ યુવતીના ભાઈને થઈ જતા તેણે યુવકને મળવા બોલાવી તેના પર તથા તેના સાથેના આવેલા તેના મીત્ર પર હુમલો કર્યો હતો. પોલીસે યુવતીના ભાઈ સહિત બંનેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આરોપી પોલીસના હાથવેંતમાં હોવાનું માલુમ પડયું છે.

હુમલાની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ગોંડલ રોડ પર આવેલી પીડીએમ કોલેજમાં પ્રથમ વર્ષના અભ્યાસ કરનાર વિદ્યાર્થી હિતેષ રવજીભાઈ બાંભવા ભરવાડ (ઉ.19) તથા કનૈયાલાલ બટુક ઝીંઝુવાડીયા (ઉ.16) પર સંતકબીર રોડ પર હિંગળાજ માતાજીના મંદિર પાસે રહેતા વિમલ અને યોગેશ નામના શખ્સે ત્રિકોણબાગ પાસે સવારના સુમારે બંનેને બોલાવી છરી વડે હુમલો કરતા લોકો ટોળે વળ્યા હતા. બાદમાં બંનેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હિતેષને પડખાના ભાગે છરીનો ઉંડા ઘા વાગી ગયો હતો. તેમજ કનૈયાલાલને હાથમાં છરી લાગી ગઈ હતી.

બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ હિતેષ સંતકબીર રોડ પર રહે છે અને રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં કોમ્પ્યુટરની દુકાનમાં પાર્ટ ટાઈમ નોકરી કરે છે. તેના પિતા કારખાનામાં કામ કરે છે. તેમજ કનૈયાલાલ સંત કબીર રોડ પર રામાપીર મંદિર પાસે ભગીરથ સોસાયટી-13માં રહે છે તે બે ભાઈના પરિવારમાં મોટો છે. કનૈયાને બસમાં તેની સાથે અપડાઉન કરતી કોલેજની એક યુવતી સાથે ફ્રેન્ડશીપ હોય તેણે ફોન કરતા તેના ભાઈને માલુમ પડી જતા આજરોજ સવારના ત્રિકોણબાગ પાસે મળવા બોલાવ્યો હતો. કનૈયા તેના મીત્ર હિતેષને લઈ ત્રિકોણબાગ ગયો હતો. દરમિયાન અહીં અગાઉથી ઉભેલા વિમલ અને યોગેશે કનૈયા અને તેના મીત્ર પર છરી વડે હુમલો કર્યો હતો.

આ સમાચારને શેર કરો