Placeholder canvas

ગુજરાતમાં શુક્રથી સોમ સુધીમાં વરસાદ: સૌરાષ્ટ્રમાં માત્રા ઓછી હશે…

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: અમુક દિવસે સાર્વત્રિક અને બાકી છુટોછવાયો વરસાદ થશે:

સૌરાષ્ટ્રમાં છુટાછવાયા ઝાપટાને બાદ કરતાં નોંધપાત્ર કે સાર્વત્રીક વરસાદ નથી પરંતુ તા.23 થી 26 જુલાઈ સુધી વરસાદનો એક રાઉન્ડ આવવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. ગુજરાતમાં વરસાદનું જોર વધુ હશે. સૌરાષ્ટ્રમાં માત્રા ઓછી રહેવા છતાં વરસાદ વ્યાપક રહેવાની શકયતા છે.

તેઓએ જણાવ્યું છે કે ઉતર પશ્ચીમી બંગાળની ખાડીમાં લો-પ્રેસર સિસ્ટમ સર્જાઈ છે. આ સ્થિતિમાં 23 થી 26 જુલાઈ વરસાદનો સાર્વત્રીક રાઉન્ડ આવશે અને ત્યારબાદનાં દિવસોમાં પણ છુટોછવાયો વરસાદ ચાલુ રહેવા સંભાવના છે. આગાહીના સમય ગાળામાં ઉતર દક્ષિણ તથા મધ્ય ગુજરાતના ભાગોમા હળવો-મધ્યમ ભારે વરસાદ થવાની શકયતા છે. અમુક દિવસે છુટોછવાયો તથા અમુક દિવસે સાર્વત્રીક વરસાદ થઈ શકે છે. સીમીત વિસ્તારમાં અતિભારે વરસાદ થઈ શકે છે આ સમયમાં બે થી ત્રણ ઈંચ વરસાદ થઈ શકે છે.

જયારે અતિભારે વરસાદ થાય ત્યાં 3 થી 8 ઈંચ સુધીનો વરસાદ થવાની શકયતા છે. ગુજરાત કરતા સૌરાષ્ટ્રમાં વરસાદની માત્રા ઓછી રહેવાની શકયતા છે.છુટોછવાયો હળવો-મધ્યમ-ભારે વરસાદ શકય છે. એકાદ દિવસ મોટાભાગનાં વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. જયારે બાકી અન્ય દિવસોમાં જુદા જુદા ભાગમાં વરસાદ થવાની શકયતા છે.આ દરમ્યાન 50 ટકા વિસ્તારોમાં એક થી બે ઈંચ તથા બાકીના 50 ટકા વિસ્તારોમાં એક ઈંચ વરસાદ શકય છે. કચ્છમાં અર્ધાથી બે ઈંચ વરસાદની શકયતા છે.

અશોકભાઈ પટેલના કહેવા પ્રમાણે આગામી 27-28 મી જુલાઈએ વધુ એક લો-પ્રેસર સિસ્ટમ ઉદભવી શકે છે. છતા હાલમાં પ્રશાંત મહાસાગરમાં એક મોટુ વાવાઝોડુ ઉદભવ્યુ છે.અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીના પવન પ્રશાંત મહાસાગર તરફ જાય છે. આ વાવાઝોડુ ઘણા દિવસો પ્રશાંત મહાસાગરમાં જ રહેવાનું છે એટલે ભેજ ખેંચાઈ જશે.

આ સમાચારને શેર કરો