Placeholder canvas

ગુજરાતમાં પ્રિમીયમ પેટ્રોલ 100ને પાર, સાદા પેટ્રોલને થોડું છેટુ…

2021 ના વર્ષમાં અત્યાર સુધીમાં પેટ્રોલ રૂા.14.88 તથા ડીઝલ 15.24 મોંઘુ

પેટ્રોલીયમ ચીજોમાં ભાવ વધારાની આગ કાબુમાં આવવાનું નામ નથી લેતી અને સરકાર આમ આદમીને રાહત આપવા રસ લેતી નથી ત્યારે ગુજરાતમાં પણ પેટ્રોલની કિંમત સદી તરફ આગળ ધપી રહી છે. રાજકોટ-ગુજરાતમાં પ્રિમીયમ પેટ્રોલનો ભાવ લગભગ 100 રૂપિયા (99.99) થઈ જ ગયો છે. સાદા પેટ્રોલને આ સ્તર આંબવામાં અંદાજીત સાડા ત્રણ રૂપિયાનું છેટુ છે.

આંતર રાષ્ટ્રીય ક્રુડ તેલનાં ભાવ વધારાને કારણે પેટ્રોલ-ડીઝલ મોંઘા થતાં હોવાનો સરકારનો બચાવ છે છતાં મુળ ભાવ કરતા પણ વધુ ટેકસ વસુલાતો હોવા છતાં તેમાં રાહત આપવા સરકારના પેટનુ પાણી પણ હલતુ નથી. દેશમાં આજે સતત બીજા દિવસે પેટ્રોલમાં ભાવ વધારો થયો હતો. ડીઝલનો ભાવ યથાવત હતો.

ગુજરાતમાં પેટ્રોલ 34 પૈસાના ભાવ વધારાથી 96.45 થયુ હતું. ગઈકાલે રવિવારે પણ તે મોંઘુ થયુ હતું.રાજકોટમાં આજે સાદા પેટ્રોલનો ભાવ 96.45 તથા ડીઝલનો ભાવ 96 થયો હતો. મહત્વની વાત એ છે કે પ્રિમીયમ પેટ્રોલનો ભાવ લગભગ 100 ને આંબી જ ગયો છે. પ્રિમીયમ પેટ્રોલ રૂા.99.99 થયુ હતું.

ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડીશા, જમ્મુ-કાશ્મીર, લડાખ જેવા ડઝનથી વધુ રાજયોમાં પેટ્રોલ રૂા.100 ને પાર થઈ ગયુ છે.જયારે મુંબઈ હૈદરાબાદ, ચેન્નાઈ, બેંગ્લોર જેવી મહાનગરમા પણ આ ભાવ 100 થી વધી ગયો છે. ભારતમાં ચાલૂ વર્ષનાં પ્રથમ છ મહિનામાં અત્યાર સુધીમાં પેટ્રોલનો ભાવ રૂા.14.88 તથા ડીઝલનો રૂા.15.24 વધ્યો છે.1લી જાન્યુઆરીમાં ભાવ અનુક્રમે રૂા.83.97 તથા 72.74 હતો.

આ સમાચારને શેર કરો