Placeholder canvas

રાજકોટમાં 600 રૂ. માટે યુવકને હેલમેટ-પથ્થરથી મારનારાનું પોલીસે સરઘસ કાઢ્યુ.

પોલીસ અને કાયદાનો ડર લોકોના મનમાં હવે ન રહ્યો હોય તેમ કેટલાક ઇસમો જાહેર રસ્તા પર મારામારી કરતા હોય છે અને નજીવી બાબતે થયેલી મારામારીના કારણે કેટલાક લોકોના જીવ જવાની પણ ઘટનાઓ સામે આવી છે. રાજકોટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયોમાં કેટલાક ઇસમો એક યુવકને હેલમેટ અને પથ્થર વડે માર મારતા દેખાતા હતા.

ત્રણ ઇસમો એક વ્યક્તિ પર તૂટી પડ્યા હોવાના કારણે તે પોતાનો બચાવ કરવામાં પણ સક્ષમ નહોતો. આ વીડિયો વાયરલ થતા રાજકોટ પોલીસ હરકતમાં આવી હતી અને વીડિયોના આધરે યુવકને જાહેર રસ્તા પર હેલમેટ અને પથ્થર વડે માર મારનાર ઇસમોની ધરપકડ કરી હતી અને તેઓ આ પ્રકારની ભૂલ બીજીવાર ન કરે તે માટે આરોપીનું સરઘસ કાઢીને તેમને જાહેરમાં માફી મંગાવીને કાયદાનું ભાન કરાવ્યું હતું.

એક યુવકને હેલમેટ અને પથ્થર વડે માર મારતો વીડિયો રાજકોટના કાલાવડ રોડ પર નેપ્ચ્યુન ટાવરની નજીક આવેલી જલારામ ફાસ્ટ ફૂડની સામેનો હોવાનું જાણવા મળ્યું હતું. આ વીડિયો વાયરલ થતા રાજકોટ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસના હાથે પકડાયેલા આરોપીઓના નામ ચિરાગ સોલંકી, અભિષેક સોલંકી અને કરણ પરમાર હોવાનું જાણવા મળ્યું હતું.

આરોપીની પૂછરપછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, ચિરાગ સોલંકીને સૌરભ તિવારી નામના યુવક પાસેથી 600 રૂપિયા લેવાના હતા. એટલે તેના પર આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ચિરાગ, અભિષેક અને કરણને કાયદાનું ભાન કરાવવા માટે ત્રણેયનું સરઘસ કાઢ્યું હતું અને ત્રણેયની પાસેથી જાહેરમાં માફી મંગાવવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો