Placeholder canvas

PM કિશાન યોજનાનું સૂરસૂરિયું, 5 કરોડ ખેડૂતોને ત્રીજો અને 2 કરોડને બીજો હપ્તો મળ્યો જ નથી..!!

લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને આકર્ષવા માટે મોદી સરકારે નાના ખેડૂતોના ખાતામાં વર્ષમાં છ હજાર રૂપિયા જમા કરવાનું વચન આપ્યું હતું, આ માટે ડિસેમ્બર ૨૦૧૮ના રોજ એક યોજના લોંચ કરી હતી. જે અંતર્ગત દર ચાર મહિને બે હજાર રૂપિયા એમ વર્ષમાં છ હજાર જમા કરવાના હતા, જોકે આ યોજનાના લાભાર્થી આશરે પાંચ કરોડ ખેડૂતોને ત્રીજો હપ્તો મળ્યો જ નથી.

આ આંકડા ખુદ સરકારે જાહેર કર્યા છે, જેમાં વધુમાં જણાવ્યું છે કે ૨.૫૧ કરોડ ખેડૂતો એવા છે કે જેને આ યોજનાનું બીજુ ઇન્સ્ટોલમેન્ટ પણ નથી મળ્યું. જ્યારે ૫.૧૬ કરોડ ખેડૂતોને બે હજાર રૂપિયાનું ત્રીજુ ઇન્સ્ટોલમેન્ટ મળવાનું પણ બાકી છે. પ્રાપ્ત આંકડા અનુસાર ડિસેમ્બર ૨૦૧૮થી નવેમ્બર ૨૦૧૯ સુધીમાં નવ કરોડથી વધુ ખેડૂતોની નોંધણી આ યોજના અંતર્ગત કરવામાં આવી હતી. જેમાંથી ૭.૬૨ કરોડ અથવા તો ૮૪ ટકા ખેડૂતોને આ વાર્ષીક છ હજાર રૂપિયાની યોજનાનું પહેલુ ઇન્સ્ટોલમેન્ટ એટલે કે બે હજાર રૂપિયા મળ્યા છે.

જ્યારે યોજના અંતર્ગત જે ખેડૂતોને બીજુ ઇન્સ્ટોલમેન્ટ પણ મળી ગયું હોય તેની સંખ્યા ૬.૫ કરોડ જેટલી છે. તેવી જ રીતે ૩.૮૫ કરોડ લોકોને ત્રીજુ ઇન્સ્ટોલમેન્ટ મળી ગયું છે પણ સામે ૫ કરોડ ખેડૂતોને હજુ સુધી બાકીના પૈસા નથી મળ્યા. સરકારના જવાબ અનુસાર પશ્ચિમ બંગાળ, સિક્કીમમાં કોઇ ખેડૂતની નોંધણીને ડેટા નથી મળ્યા જેને પગલે આ રાજ્યના ખેડૂતોને લાભ પહોંચાડવામાં નથી આવ્યો.

રાજ્ય સરકાર કહે છે કે અમારી પાસે આના કરતા સારી યોજના છે જ્યારે કેન્દ્ર કહે છે કે આવા કારણો આપી રાજ્ય સરકાર ખેડૂતોની માહિતી જ નથી મોકલી રહી. જોકે જે પાંચ કરોડ ખેડૂતોને લાભ નથી મળ્યો તેઓ આ રાજ્યોના ખેડૂતો નથી, કેમ કે આ બન્ને રાજ્ય પ. બંગાળ અને સિક્કીમના ખેડૂતોની નોંધણી જ નથી થઇ જ્યારે આ પાંચ કરોડ ખેડૂતો નોંધાયેલા ખેડૂતોમાં સામેલ છે. પીએમ સમ્માન નીધી સ્કીમ અંતર્ગત ખેડૂતોની પાસે ઓછી જમીન હોય તેને પ્રતી માસ ૫૦૦ રૂપિયા આપવાના હતા. જે બે હજાર રૂપિયાના ઇન્સ્ટોલમેન્ટ તરીકે જમા થવાના હતા, જેમાં હાલ પાંચ કરોડ ખેડૂતોને ત્રીજુ ઇન્સ્ટોલમેન્ટ મળ્યું જ નથી.

આ સમાચારને શેર કરો