Placeholder canvas

સૌરાષ્ટ્રનાં અમુક શહેરોમાં પેટ્રોલ રૂા.100 ને પાર

વિશ્ર્વબજારમાં ક્રુડતેલ ઘટીને 73 ડોલર થયુ છતાં ભારતમાં પેટ્રોલ વધુ મોંઘુ

પેટ્રોલનાં ભાવમાં ફરી એક વખત વધારો થવા સાથે તેજીનો સિલસિલો જારી જ રહ્યો છે.સૌરાષ્ટ્રનાં અનેક શહેરોમાં પેટ્રોલનો પ્રતિલીટર ભાવ રૂા.100 ને વટાવી ગયો હતો.જયારે મધ્યપ્રદેશ જેવા રાજયમાં ભાવ 112 રૂપિયા થયો હતો.

આંતર રાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમત ઘટીને 73 ડોલરથી નીચે જવા છતા ભારતમાં પેટ્રોલ-ડીઝલ મોરચે કોઈ રાહત નથી. વિપરીત પણે પેટ્રોલમાં ભાવ વધારાનો વધુ એક ડામ આવ્યો હતો. જયારે ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા.સૌરાષ્ટ્ર-ગુજરાતનાં અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 ને પાર થતા. લોકોમાં અંદર અગનગોળો થઈ ગયો છે એ ક્યારે ફાટી નીકળશે એ કહી ન શકાય . રાજકોટમાં પેટ્રોલનો ભાવ 29 પૈસાના વધારાથી 98.37 થયો હતો. ડીઝલનો ભાવ 96.55 માં સ્થિર હતો.

ભાવનગરમાં પેટ્રોલ રૂા.100 ને વટાવી ગયુ હતું. ઈન્ડીયન ઓઈલનું પેટ્રોલ 100.16 ભારત પેટ્રોલીયમનું 100.23 તથા હિન્દુસ્તાન પેટ્રોલીયમનું 100.22 હતું. કચ્છમાં પણ ભાવ 100 ને આંબી જવામાં હોય તેમ ભુજમાં પેટ્રોલનો ભાવ રૂા.99.21 તથા ડીઝલનો ભાવ 97.87 થયો હતો. જુનાગઢમાં પેટ્રોલ 99.15 તથા ડીઝલ 98.85 હતો. ગુજરાતમાં પ્રિમીયમ પેટ્રોલ ગત સપ્તાહમાં જ રૂા.100 થી મોંઘુ થઈ ગયુ હતુ હવે સાદુ પેટ્રોલ પણ રૂા.100 ની સપાટીને ક્રોસ કરવા લાગ્યુ છે.

બીજી તરફ દેશભરમાં આજે પેટ્રોલનાં ભાવમાં સરેરાશ 29 થી 30 પૈસા વધ્યા હતા. દેશભરમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક ભાવ મધ્ય પ્રદેશમાં છે જે પ્રતિ લીટર રૂા.112 ને પાર થઈ ગયો હતો. પાટનગર દિલ્હીમાં રૂા.101.84 મુંબઈમાં રૂા.107.83, કોલકતામાં 102.08 તથા ચેન્નાઈમાં 102.49 હતું

મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, ઓડીશા, કાશ્મીર, લડાખ, ગુજરાત સહીતનાં રાજયોમાં પેટ્રોલનો ભાવ 100 ને આંબી ગયો છે.મધ્ય પ્રદેશનાં ભોપાલમાં ભાવ 110.20 થયો છે.

આ સમાચારને શેર કરો