Placeholder canvas

ઠંડીએ ‘વારો’ કાઢી નાંખ્યા પછી : શાળાઓનો સમય અડધો કલાક મોડો કરવાનો આદેશ

ઠંડીના કહેરએ હાજા ગગડાવી મૂકતા તેની જનજીવન પર ભારે અસર થવા પામી છે. રોજબરોજ તાપમાનનો પારો ગગડીને આઠ ડીગ્રીએ પહોંચી રહ્યો છે તેમજ દિવસ અને રાત્રિ દરમિયાન શીતલહેર રહેતી હોય શરદી-કફ-ઉધરસના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ઠંડીએ વારો કાઢી નાખ્યા બાદ શિક્ષણ વિભાગ રહી રહીને જાગ્યું છે. સરકારી અને ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનો સમય અડધો કલાક મોડો કરવા આદેશ કર્યો છે.

જિલ્લા શિક્ષણાધિકારીઓએ આ સંદર્ભે પરિપત્ર ઇશ્યુ કરી વધુ પડતી ઠંડી પડી રહ્યાનો ઉલ્લેખ કરી શાળાઓના શૈક્ષણિક કાર્યના કલાકોનો સમયગાળો જળવાય રહે તે ધ્યાને રાખીને બાળકોનાં શાળાએ આવવાના સમયમાં (30 મીનીટ) અડધો કલાકનો સમય તા. 26 સુધી મોડો કરવા શાળાઓના આચાર્યોને આદેશ કર્યો છે.જેના પગલે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓએ તેની અમલવારી આજથી જ શરુ કરી દીધી છે. પરંતુ બાળકોના આરોગ્યને લક્ષમાં રાખી તમામ શૈક્ષણિક સંસ્થાઓ તેની અમલવારી કરેતે જરુરી છે.

અગાઉ ઘણી જગ્યાએ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનો સમય ઠંડીનાં જોરને પગલે મોડો કરવાનો વાલી મંડળે માંગ ઉઠાવી વારંવાર રજૂઆત કરી હતી તેમ છતાં તેને લક્ષમાં લેવાયેલ ન હતી અને હવે ઠંડીએ વારો કાઢી નાખ્યા બાદ હવામાન ખાતા મુજબ ઠંડીના બે-ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે રહી રહીને શાળાઓનો સમય મોડો કરવા એકાએક શિક્ષણાધિકારી દ્વારા પરિપત્ર ઇશ્યુ કરી દેવાયેલછે.

આ સમાચારને શેર કરો