Placeholder canvas

રાજકોટમાં દરરોજ 25,000થી વધુ બ્લડ ટેસ્ટીંગ, 1000થી વધુ સિટી સ્કેન થાય છે!

રાજકોટ: રંગીલા રાજકોટવાસીઓ અત્યારે કોરોનાના અત્યંત બિહામણા સ્વરૂપનો સામનો કરી રહ્યા છે, શહેરનું એક પણ ઘર એવું નહીં હોય કે જ્યાં કોઈ બિમાર ન હોય ! અત્યારે ટેસ્ટીંગ બુથ ઉપર લાંબી લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે

ત્યારે તેની સમકક્ષ કતારો જ લેબોરેટરી બહાર પણ દેખાઈ રહી છે જેના પરિણામે અત્યારે દરરોજ શહેરમાં 25000થી વધુ બ્લડ ટેસ્ટીંગ થવા લાગ્યા છે તો 1000થી વધુ સિટી સ્કેન થઈ રહ્યા છે ! પહેલાં એક લેબોરેટરીમાં માંડ 40થી 50 ટેસ્ટ થતાં હતા જે હવે 300ને પાર થવા લાગ્યા છે તો સિટી સ્કેન પ્રત્યેક લેબદીઠ માંડ પાંચથી સાત થતા જે અત્યારે 100ને પાર થઈ જવા પામ્યા છે.

રાજકોટ શહેરમાં અત્યારે 100 જેટલી નાની-મોટી લેબોરેટરી સંચાલિત થઈ રહી છે અને પ્રતિ લેબોરેટરીદીઠ અત્યારે 300થી વધુ બ્લડ ટેસ્ટીંગ થવા લાગ્યું છે. આ રીતે જોવા જઈએ તો શહેરમાં દરરોજ 25000થી વધુ બ્લડ ટેસ્ટીંગ થઈ રહ્યા છે. બ્લડ ટેસ્ટીંગ માટે ધસારો વધી પડતાં લેબોરેટરીઓમાં પણ લાંબુ લાંબું વેઈટિંગ ચાલી રહ્યું છે અને લગભગ દરેક લેબ બહાર કતારો લાગેલી દેખાય છે.

આવી જ રીતે સિટી સ્કેન માટે પણ અત્યારે ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો ધસારો લેબ બહાર જોવા મળી રહ્યો છે અને શહેરના વીસેક જેટલા સિટી સ્કેન સેન્ટર ઉપર દર્દીઓના ઢગલાં દેખાઈ રહ્યા છે. પહેલાં પ્રત્યેક સેન્ટર દીઠ પાંચથી સાત સિટી સ્કેન થતાં હતા જે અત્યારે 100ને પાર થવા લાગ્યા છે. આ પાછળનું મુખ્ય કારણ એ જ છે કે કોઈ દર્દીનો એન્ટીજન અને આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય આમ છતાં તેને તાવમાં ઉતાર-ચડાવ દેખાય એટલે તબીબ તેને તુરંત જ સિટી સ્કેન કરાવવાની સલાહ આપે છે. શહેરમાં અનેક દર્દીઓ એવા પણ નોંધાઈ રહ્યા છે જેના બન્ને રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવા છતાં સિટી સ્કેન બાદ ફેફસામાં ઈન્ફેક્શન હોવાનું નિદાન થયું છે જેથી અત્યારે સિટી સ્કેન માટે દર્દીઓ વધુ પડતો આગ્રહ રાખી રહ્યા છે.

આ સમાચારને શેર કરો