Placeholder canvas

રાજકોટ: આવતીકાલથી મીની લોકડાઉન, શુ બંધ રહેશે? શુ ચાલુ રહેશે? જાણવા વાંચો

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ બાદ આજે રાજય સરકારે આવતીકાલથી અમલમાં આવે તે રીતે રાજયના વધુ 9 શહેરોમાં નાઇટ કર્ફયુ લાદવા ઉપરાંત મીની લોકડાઉન જેવા અનેક નિયંત્રણો લાદી દીધા છે. જે તા.5મે સુધી અમલમાં રહેશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અઘ્યક્ષ સ્થાને આજે મળેલી એક તાકીદની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજયમાં હાલ 8 મહાનગરો તથા 20 શહેરોમાં રાત્રીના 8 થી સવારના 6 સુધી રાત્રી કર્ફયુનો અમલ છે. તે અમલ રાજયના 9 શહેરો સુધી લંબાવાયો છે. જેમાં હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથમાં પણ આવતીકાલથી રાત્રી કર્ફયુનો અમલ શરૂ થઇ જશે.

આ ઉપરાંત રાજય સરકાર દ્વારા તમામ 29 શહેરોમાં ફકત આવશ્યક સેવાઓ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. જેમાં અનાજ કરિયાણાની દુકાનો, શાકભાજી, ફળફળાદીની દુકાનો, મેડીકલ સ્ટોર, મીલપાર્લર, બેકરી તથા ખાદ્ય પદાર્થોની દુકાનો ચાલુ રહી શકશે. આ તમામ 29 શહેરોમાં ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાના અને બાંધકામ પ્રવૃતિઓ યથાવત રીતે ચાલુ રહેશે. જો કે તેમાં કોરોનાની ગાઇડ લાઇન છે તેનો અમલ કરવાનો રહેશે.

આ ઉપરાંત મેડીકલ અને પેરામેડીકલ સેવાઓ પણ યથાવત રીતે ચાલુ રહેશે. રાજયના આ તમામ 29 શહેરોમાં તમામ રેસ્ટોરાં બંધ રહેશે અને ફકત ટેક અવે સુવિધા જ આપી શકાશે. આ તમામ શહેરોમાં મોલ, શોપીંગ કોમ્પ્લેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડીટોરીયમ, જીમ, સ્વિમિંગ પુલ, વોટર પાર્ક, બાગબગીચાઓ, સલુન તથા સ્પા, બ્યુટીપાર્લર અને અન્ય મનોરંજન પાર્ક સહિતના સ્થળો બંધ રહેશે. જો કે રાજયના તમામ માર્કેટ યાર્ડને પણ સરકારે બંધ કરવાની જાહેરાત કરી છે. ફકત શાકભાજી અને ફળફળાદીના વેચાણ માટે યાર્ડ ચાલુ રખાશે.

આ ઉપરાંત રાજયના તમામ ધાર્મિક સ્થળો પર જાહેર જનતાનો પ્રતિબંધીત રહેશે. માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજા-વિધી કરવા માટે આવી શકશે. રાજયમાં તમામ જાહેર ટ્રાન્સપોર્ટ સેવાઓમાં ફરી એક વખત 50 ટકા ક્ષમતા સાથે જ મુસાફરોના પરિવહનને મંજૂરી આપવામાં આવી છે. રાજયમાં અગાઉ લગ્ન-પ્રસંગમાં 50 લોકોની જ હાજરી તથા અંતિમવિધિમાં 20 લોકોની હાજરીના નિયંત્રણો મૂકાયા હતા તે ચાલુ રહેશે. રાજયમાં જે રીતે કોરોના કેસ વઘ્યા છે તે બાદ સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.

આ સમાચારને શેર કરો