Placeholder canvas

માળિયા-કચ્છમાં માવઠું: સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ

સૌરાષ્ટ્ર કચ્છમાં એક બાજુ કોરોનાના સંક્રમણ વધવાની દહેશત વચ્ચે કુદરત પણ રૂઠી હોય તેમ વહેલી સવારથી ભારે વરસાદી માહોલ વચ્ચે કચ્છ અને મોરબી જીલ્લાના કેટલાક વિસ્તારોમાં જોરદાર પવન સાથે કરાનો કમોસમી વરસાદ વરસી ગયાના વાવડ મળ્યા છે. એકાએક ફરીને વાતાવરણમાં આવેલા પલ્ટાથી લોકોની ખાસ કરીને જગતાતની મુશ્કેલી વધી છે. તો ઘઉ, ચણા, ધાણા, જીરૂ, એરંડા, કેરી સહિતના પાકને ફટકો પડવાની દહેશત જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગની અસર હોય કે ઋતુ ચક્રમાં કોઈ બદલાવ આવ્યો હોય પણ ગમે તે કારણોસર સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા બે વરસથી પેટર્ન બદલી હોય તેમ લાગી રહ્યું છે. ગયા વરસે પણ ચૈત્ર મહિનાથી ઉનાળાનો આરંભ થયો હતો તે પહેલા શિયાળો પણ ફાગણ મહિના સુધી ચાલુ હતો. બાદમાં ચોમાસાનો પ્રારંભ પણ અષાઢ મહિનાના અંતિમ સપ્તાહથી થયો હતો.

તેવા સમયે માર્ચ માસના પ્રારંભે જ ફરીને વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરથી કેટલાક સ્થળે કમોસમી વરસાદ વરસી જતા ખેડુતોને નુકશાની સહન કરવાનો વારો આવ્યો હતો. બાદમાં સતત મિશ્ર ઋતુ ચાલતી આવતી હતી જો કે ચાલુ સપ્તાહમાં જ ફરી પ્રારંભીક બે દિવસોમાં ગરમીનો પારો ઉચકાઈને અનેક સ્થાને 38 ડીગ્રી ઉપર પહોંચી ગયો હતો. સાથો સાથ ચાલુ અઠવાડીયાના પ્રારંભથી જ ફરી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. રવિવારે સોમવારે છુટોછવાયો વરસાદ વરસ્યા બાદ મંગળવારે સામાન્ય હવામાન ચાલુ થયું હતું. તેવા સમયે જ ફરી દક્ષીણ રાજસ્થાન અને પાકિસ્તાનને સ્પર્શતા વિસ્તારોમાં દરીયાઈ સપાટીથી 1.5 કિલોમીટરના અંતરે સાયકલોનીક સરકયુલેશન સર્જાતા તેની અસરથી છેલ્લા ત્રણ દિવસથી છૂટોછવાયો કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

મંગળવારે ભાવનગર, અમરેલી, બોટાદ, વિસાવદર, ગોંડલ પંથકમાં માવઠુ થયા બાદ ગઈકાલે પણ અમરેલી, કચ્છ, મોરબી પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સાથે જ રાજકોટ, જામનગર સહિતના સ્થળે પણ દિવસભર વાદળા છવાઈ રહ્યા હતા.

તેવામાં આજે સૌરાષ્ટ્ર કચ્છમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ બંધાયો છે. જેમાં કચ્છમાં તો સમગ્ર જીલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે જોરદાર વરસાદ તુટી પડતા નદીઓ વહેતી જોવા મળી હતી તો મોરબીના માળીયા મીંયાણા હાઈવે ઉપર પણ જોરદાર વરસાદ તુટી પડયાના અહેવાલો સાંપડયા છે. કચ્છના વાગડ બાદ ભુજ, માંડવી, લખપત સહિતના વિસ્તારોમાં માવઠા સાથે વાતાવરણમાં પલ્ટા સાથે કાળા ડીબાંગ વાદળા ચડી આવતા વરસાદી માહોલ બન્યો છે.

માત્ર આજે જ નહિ હજુ આવતીકાલે પણ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ વરસી જવાની આગાહીના પગલે ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે એક બાજુ કોરોનાને કારણે લોકડાઉનની સ્થિતિ વચ્ચે પાકની દેખરેખ રાખી શકાતી નથી તેવા સમયે વાતાવરણમાં આવેલા બદલાવથી ખેતરમાં ઉભેલા ઘઉં, ચણા, ધાણા, જીરૂ, એરંડા સહિતના પાક પાથરા પલડી જવાથી નુકશાન જવાની શકયતા જોવા મળે છે તો આંબામાં મોર ખરી જતા ઉનાળામાં કેરીનો સ્વાદ મોડો અને ઓછો મળશે. તેવી સંભાવનાથી ધરતીપુત્રો ભારે ચીંતાતુર બન્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો