Placeholder canvas

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ૨૫ માર્ચ સુધી ‘લોક ડાઉન’

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને અધિકારીઓની ઉચ્ચસ્તરિય કોર કમિટિની બેઠક મુખ્યમંત્રી નિવાસ સ્થાને યોજવામાં આવી જેમાં કોરોના વાયરસ નો મુકાબલો અંગે કેટલાક જનહિત નિર્ણયો કર્યા. અમદાવાદ-વડોદરા-સુરત-રાજકોટ મહાનગરોમાં દવાઓ-તબીબી ઉપકરણો-શાકભાજી-કરિયાણુ-જીવન આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો-સંસ્થાઓ અને અન્ય જીવન આવશ્યક સેવાઓ સિવાયની તમામ દુકાનો-મોલ્સ રપ માર્ચ-ર૦ર૦ સુધી સંપૂર્ણ બંધ રહેશે જે ‘લોક ડાઉન’ તરીકે બહાર આવ્યું છે.

રાજ્ય સરકારની કચેરીઓ-બોર્ડ નિગમો-સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વર્ગ-ર થી ૪ ના કુલ કર્મચારી ગણના પ૦ ટકા કર્મચારીઓને ર૯ માર્ચ-૨૦૨૦ સુધી રોટેશનલ બેજીઝ પ્રમાણે ફરજ પર આવવાનું રહેશે

અમદાવાદમાં ૧ર૦૦ બેડ-સુરત-પ૦૦ બેડ- રાજકોટ-રપ૦ બેડ-વડોદરા-૨પ૦ બેડની ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ કોરોના અસરગ્રસ્ત વ્યકિતઓની સારવાર માટે તાત્કાલિક ધોરણે કાર્યરત કરાશે

કોરોના વાયરસનો વ્યાપ સામાન્યત: બીજા અને ત્રીજા સ્ટેજમાં વધતો હોવાનો ટ્રેન્ડ વિશ્વમાં જોવા મળ્યો છે તે સંદર્ભમાં ગુજરાતમાં તેનો વ્યાપ વધુ ફેલાતો અટકાવવાની તકેદારી-સતર્કતા રૂપે આ બેઠકમાં કેટલાક અતિ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી વિજયભાઈએ બેઠકમાં જણાવ્યું કે, આ વાયરસનો ફેલાવો એકબીજાના સંપર્કમાં આવવાથી થતો હોવાથી રાજ્યના નાગરિકો ભીડભાડ વાળી જગ્યાએ કે જાહેર સ્થળોએ જઇને અન્યોના સંપર્કમાં ન આવે તે હેતુસર રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે.

૨૫ માર્ચ, બુધવાર સુધી ગુજરાતમાં ચાર મહાનગરોમાં શું ખુલ્લું રહી શકશે :

દૂધ, શાકભાજી, ફળફળાદી, કરિયાણું, પ્રોવિઝનલ સ્ટોર્સ તેમજ મેડીકલ સ્ટોર્સ, દવાખાના, હોસ્પિટલ, લેબોરેટરી, મેડીકલ સાધનોની ઉત્પાદક કંપની, ફાર્મસી અને આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ રાખી શકાશે.

આ ઉપરાંત અન્ય આવશ્યક સેવાઓ જેમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, પંચાયત સેવાઓ, વિજળી અંગેની સેવાઓ, વીમા કંપની, ઇન્ટરનેટ, ટેલિફોન અને આઇ.ટી. સંબંધિત સેવાઓ બેન્ક, એ.ટી.એમ., બેન્કના કલીયરીંગ હાઉસ તથા સ્ટોક એક્ષચેન્જ અને તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન તથા અન્ય અતિ આવશ્યક સેવાઓ, રેલવે, ટ્રાન્સપોર્ટ સેવા, પેટ્રોલ પંપ, પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થા તંત્ર તથા મીડીયા સમાચારપત્રો, ખાદ્ય પદાર્થો અને ખાદ્ય સામગ્રી, દવાઓ, પેસ્ટકંટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા તથા તેને લગતા ઇ-કોમર્સ સાથે સંકળાયેલી દુકાનો-સંસ્થાઓ જ ચાલુ રહેશે.

શું બંધ રહેશે :

આ સિવાય પ્રાઇવેટ ઓફિસ, શાળા કોલેજ, હોટેલ, રેસ્ટોરન્ટ, ફેકટરી, બજારો, શોપિંગ મોલ, ખાન પાન ની દુકાનો, કપડાંની દુકાનો, બંધ રહેશે.

મીટીંગ લંબાણપૂર્વક ચાલી જેમાં મુખ્યમંત્રીએ હાલની પરિસ્થિતિ ની સમીક્ષા કરી.

આ ઉપરોક્ત નિયમો સિવાય જે તે મહાનગરોમાં તે શેહર ને લઈને જાહેરનામા બહાર આવી શકે, જેનો ભંગ કરવા થી કાયદેસર નો કાર્યવાહી થઈ શકે છે.

આ સાથે ચારેય મહાનગરોમાં કલમ ૧૪૪ લાગુ કરાઈ છે જેથી ચાર વ્યક્તિ થી વધારે ભેગા નહિ થઇ શકે.

આ ઉપરાંત સરકારી કચેરીઓમાં ૨૯ માર્ચ સુધી એપોઇમેંત સિવાય અંદર જવાશે નહિ.

ગુજરાતમાં કોરોના ની પરિસ્થતિ :

ગુજરાતમાં ગુરુવાર સાંજ સુધી કોરોના વાયરસ ના એક પણ પોઝિટિવ કેસ નહતા. ત્યારે ૪૮ કલાકમાં ૧૪ કેસ નોંધાયા છે. રાજકોટમાં ૧, સુરતમાં ૧, કરછમાં ૧, ગાંધીનગરમાં ૧, અમદાવાદમાં ૭, વડોદરામાં ૩ કેસ સામે આવ્યા છે. સામાન્ય રીતે ત્રીજા અને ચોથા અઠવાડિયામાં કેસો વધ્યા હોય તેવા દુનિયા ભરના અન્ય દેશોમાં જોવા મળ્યું છે. આ પરિસ્થિતિ ગુજરાતમાં ન થાય તે માટે નિર્ણયો લેવાયા છે જેનું કડક રીતે પાલન નાગરિકોએ કરવાનું રહેશે.

૬૫ વર્ષની ઉપરના કોઈ પણ વ્યક્તિને ઘરની બહાર બિલકુલ જવું નહિ. સાથે જ તમામ વ્યકિતઓએ હાથ સાફ કરવાના રહેશે, અને સેનિટાઈઝ પણ કરવાના રહેશે.

ઘરની બહાર અત્યંત જરૂર વગર નહી નીકળો.

સરકારી કચેરીઓ :

રાજ્ય સરકારની તમામ કચેરીઓ, બોર્ડ-કોર્પોરેશનની કચેરી તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓમાં તા. ર૯ માર્ચ-ર૦ર૦ સુધી વર્ગ- ર થી ૪ ના કુલ કર્મચારીઓના પ૦ ટકા કર્મચારીઓ રોટેશનલ બેજીઝ પર ઓફિસ ફરજ પર ઉપસ્થિત રહેશે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવશ્યક સેવાઓના કર્મચારીઓ-અધિકારીઓ તેમજ આવશ્યક-તાત્કાલિક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ-અધિકારીઓ અને કોરોના વાયરસના ચેપ નિયંત્રણ કરવાની કામગીરી સાથે સીધા સંકળાયેલા કર્મચારીઓને આ રોટેશનલ બેજીઝ પ્રથા લાગુ પડશે નહિ અને આ દિવસો દરમિયાન ફરજ પર રાબેતા મુજબ આવવાનું રહેશે.

કોરોના સામે મુકાબલો કરવા રાજ્ય સરકારનું આયોજન :

અમદાવાદમાં સિવીલ હોસ્પિટલ સંકુલમાં આવેલી ૧ર૦૦ બેડની નવિન હોસ્પિટલને કોરોના વાયરસના પોઝિટીવ કેસીસની સારવાર માટે ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો.

આ હોસ્પિટલ આગામી સોમવારથી કાર્યરત થઇ જાય તે માટે મહેસૂલ અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારને વિશેષ જિમ્મેદારી સોપવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્યના અન્ય ૩ મહાનગરો રાજકોટમાં રપ૦ બેડ, વડોદરામાં રપ૦ બેડ તથા સુરતમાં પ૦૦ બેડની હોસ્પિટલ ‘ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ’ તરીકે ત્વરાએ કાર્યરત કરી દેવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રીએ આપી હતી.

કોરોના વાઈરસ થી ડરો નહીં પણ સાવચેતી રાખો., તમારા હાથ વારંવાર સાબુથી ધુવો.., ભીડ વાળી જગ્યામાં ન જાઓ અને સરકાર તરફથી લગાવવામાં આવેલી 144ની કલમ એ લોકોના હિતમાં છે તેનું સંપૂર્ણ પણે અમલ કરો…

-કપ્તાન દ્વારા લોકહીતમાં પ્રસિદ્ધ

આ સમાચારને શેર કરો