Placeholder canvas

સમગ્ર મોરબી જિલ્લામાં 5મી મેં સુધી મીની લોકડાઉન: જીવનજરૂરી વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે.

રાજય સરકારની ગાઈડલાઈન અનુસાર ચા-પાનના ગલ્લા અને દુકાનો, સલુન-સિનેમા-મોલ-મંદિરો-મેળાવડાઓ બંધ રહેશે.

મોરબી જિલ્લાના તમામ નગરપાલિકા વિસ્તાર-ગામડાઓમાં આજથી પાંચમી મે સુધી જીવન જરૂરી ચીજવસ્તુઓ સિવાઈની તમામ બજારો-દુકાનો બંધ રાખવાનો હુકમ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી જીલ્લા કલેકટરે કર્યો છે.

મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેર કરાયેલ સરકારની ગાઈડલાઈન અનુસાર હુકમ કરેલ છે તેવા જણાવ્યું છે કે લગ્ન માટે ખુલ્લા તથા બંધ સ્થળોએ મહતમ 50 (પચાસ) વ્યક્તિઓની મંજુરી રહેશે. લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઈ યથાવત રહે છે. અંતિમક્રિયા/દફનવિધિ માટે મહતમ 20 (વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે. સરકારી, અર્ધસરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક ફાઈનાન્સ ટેક સંબંધીત સેવાઓ, કેશ ટ્રાન્ઝેકશન સેવાઓ, બેંકોનું કલીયરીંગ હાઉસ, એ.ટી.એમ./સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એકસચેંજ, સ્ટોક બ્રોકરો, ઈુસ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50% સુધી સુનિશ્ર્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઈ લાગુ પડશે નહી.

તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટસ કોમ્પલેક્ષ/સ્પોર્ટસ સ્ટેડીયમ/સંકુલોમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે. તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પુજાવિધિ ધાર્મિક સ્થાનોના સંચાલકો/પુજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે. પબ્લીક બસ ટ્રાન્સપોર્ટ મહતમ 50% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.

અન્ય રાજયોમાંથી આવતા મુસાફરોને આરટીપીસીઆર ટેસ્ટ સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 188, ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ 135, 139 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, 2001ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.

મોરબી જિલ્લા કલેકટર દ્વારા આજે બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ તા. ૨૮મી એપ્રિલ-૨૦૨૧ બુધવારથી તા. ૦૫મી મે-૨૦૨૧ બુધવાર સુધી ચા – પાનના લારી ગલ્લા સહિત ભીડ એકત્રિત થતી હોય તેવા ખાણી – પીણીના ધંધા બંધ રાખવા આદેશ કરાયો છે જો કે, શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

નવા નિયંત્રણ મુજબ મોરબી જિલ્લામાં અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.

મોરબી શહેર અને જિલ્લામાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે એટલે કે પાર્સલ સેવાઓ ચાલુ રાખી શકાશે. શહેરમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.

જિલ્લામાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે. ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ ૫૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.

વાંકાનેર શહેરમાં પોલીસે દુકાનો બંધ કરાવી

આજે મોરબી કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામા મુજબ સમગ્ર મોરબી જિલ્લામાં લાગુ કરી દેવામાં આવ્યું છે. એ મુજબ આજે વાંકાનેર શહેર પોલીસે વાંકાનેર શહેરની જે દુકાનો બંધ રાખવાની છે તે બંધ કરાવવા નીકળ્યા હતા. આ જાહેરનામા મુજબના મીની લોકડાઉનની માઇકમાં જાહેરાત કરતા હતા. તેમજ વેપારીઓને શું ખુલ્લું રાખી શકાશે? તેની પણ માહિતી આપતા હતા.

આ સમાચારને શેર કરો