Placeholder canvas

ટંકરા: છતરમાં મોડી રાત્રીએ અચાનક લોકોને શ્વાસ લેવામાં તકલીફ કેમ પડવા લાગી? જાણવા વાંચો.

ગામ નજીક કોઈક દુર્ગંધયુક્ત કેમિકલ ઠાલવી ગયાના પુરાવા મળ્યા, તીવ્ર દુર્ગંધ અને શ્વાસ લેવામાં તકલીફ પાછળ કેમિકલ જ કારણભૂત નીકળ્યું

By જયેશ ભટાસણા – ટંકારા
ટંકારા : ટંકારાના છતર ગામે મોડી રાત્રે અચાનક તીવ્ર દુર્ગંધ આવવા લાગતા અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતા ભયનો માહોલ ફેલાયો હતો. ત્યાંથી નીકળતી એક મોટી પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થયાની ભીતિએ અડધું ગામ ખાલી પણ થઈ ગયું હતું. ત્યારબાદ ગામ નજીક કોઈક દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળી ગયા હોવાનું ધ્યાને આવતા શ્વાસ લેવામાં તકલીફ થવા પાછળ આ કેમિકલ જ કારણભૂત હોવાનું સામે આવ્યું હતું.

ટંકારાના છતર ગામે આજે રાત્રીના 10:30 વાગ્યાના અરસાથી અચાનક જ તીવ્ર દુર્ગંધ આવવા લાગી હતી. આ સાથે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી હતી. જેને કારણે ઉંમર લાયક વ્યક્તિઓને શ્વાસ ચડવા લાગતા હિજરત શરૂ થઈ ગઈ હતી. અડધા ગામના લોકો ગામ છોડી રાજકોટ મોરબી હાઇવે ઉપર આવેલ વસિલા હોટેલ પાસે પહોંચી ગયા હતા. જો કે આ અંગે જાણ કરવામાં આવતા મામલતદાર ટીમ, પ્રદુષણ વિભાગ અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

વધુમાં છતર ગામમાંથી જ ગેસની મોટી પાઇપલાઇન પસાર થતી હોય, લોકોમાં એવો પણ ભય ફેલાયો હતો કે ગેસની પાઇપલાઇન લીકેજ થઈ છે. જો કે આ દરમિયાન ગ્રામજનોને જોવા મળ્યું કે ગામની નજીક એક જગ્યાએ કોઈ કેમિકલ ઢોળી ગયું હતું. આ કેમિકલ અત્યંત દુર્ગંધ યુક્ત છે. જેની નજીક જતા જ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જેથી અચાનક મોડી રાત્રે ગામમાં જે અંધાધૂંધી ફેલાય તેની પાછળ ગેસ લીકેજ નહિ પરંતુ આ દુર્ગંધયુક્ત કેમિકલ હોવાનું સામે આવ્યું હતું.

આ મામલે પ્રદુષણ વિભાગના અધિકારી વાઘેલાએ જણાવ્યું કે ગામમાં કોઈ કેમિકલ ભરેલું ટેન્કર ઠાલવીને જતું રહ્યું હોવાનું જણાય આવે છે. પ્રદુષણ વિભાગ દ્વારા આ કેમિકલના નમૂના લેવામાં આવ્યા છે. હવે આ નમૂના લેબમાં મોકલવામાં આવશે અને રીપોર્ટ બાદ ખ્યાલ આવશે કે આ કેમિકલ કઈ પ્રકારનુ છે.

બનાવ સ્થળે જીલ્લા પોલીસ વડા સતત લાઈઝનિગ હેઠળ ડિ વાય એસ પી રાધિકાબેન ભારાઈ પિ એસ આઈ બી ડી પરમાર સહિતના પોલીસ સ્ટાફ હાજર રહો હતો.

આ સમાચારને શેર કરો