Placeholder canvas

મોરબી: પીપળીરોડ ઉપર ધોળે દહાડે લૂંટ: મરચાની ભૂક્કી છાંટી રૂપિયા ભરેલો થેલો લઈ નાસી છૂટ્યા

મોરબી : પીપળીરોડ ઉપર થોડી રોકડ ભરેલા થેલાની લૂંટ કરી લૂંટારુઓ સફેદ કલરની સ્વીફ્ટ કારમાં નાસી છૂટતા સનસનાટી મચી જવા પામી છે. ધોળે દહાડે લૂંટને અંજામ આપનારા લૂંટારૂઓને ઝડપી લેવા પોલીસે ચોતરફ નાકાબંધી કરી છે.

મોરબીના પીપળી રોડ ઉપર આશીષસિંહ વાઘેલા નામની વ્યક્તિ નાણાં ભરેલો થેલો લઈને જઈ રહ્યા હતા. ત્યારે સફેદ કલરની કાળા કાચ વાળી સ્વીફ્ટ કારમાં ઘસી આવેલા લૂંટારૂઓએ આશીષસિંહની આંખમાં મરચાની ભૂક્કી નાખી હાથમાંથી રોકડ રકમ ભરેલો થેલો આંચકી લઈ લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા.

લૂંટની ઘટના બનતા આશીષસિંહે તુરત જ પોલીસને જાણ કરતા પોલીસે ચોતરફ નાકાબંધી કરાવી લૂંટારુઓની ભાળ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે. તાલુકા પોલીસે લૂંટનો ભોગ બનનાર આશીષસિંહ પાસેથી સમગ્ર ઘટનાક્રમ અંગેની વિગતો મેળવી હતી.

થેલામાં અંદાજે 7થી 8 લાખ રૂપિયા હોવાનું અનુમાન:- સફેદ સ્વીફ્ટ કારમાં ઘસી આવેલા લૂંટારૂઓએ આશીષસિંહની આંખમાં મરચાની ભૂક્કી નાખી હાથમાંથી રોકડ રકમ ભરેલો થેલો આંચકી લઈ લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. હાલ આ થેલામાં રૂ. 7થી 8 લાખ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

મોરબીમાં લૂંટ કરનારા આરોપીઓને પકડવા માટે મોરબી જિલ્લા ઉપરાંત રાજકોટ અને કચ્છ સહિતના જિલ્લાઓમાં પણ પોલીસે નાકાબંધી ગોઠવી દીધી હતી.

આ સમાચારને શેર કરો