Placeholder canvas

ભાજપ અડીખમ કે કોંગ્રેસનો પુનર્જન્મ? કાલે થશે ફેંસલો

રાજકોટ: ગુજરાતમાં કોઈ મુદા વગર નિરસ વાતાવરણ વગર જ લડાયેલી છ મહાપાલિકાની ચૂંટણીમાં એક તરફ 2015 કરતા ઓછા સરેરાશ 43% મતદાન બાદ હવે આવતીકાલે જાહેર થનારા પરિણામોનો સસ્પેન્સ વધી ગયો છે. કોરોના સંક્રમણની સ્થિતિમાં મતદાન માટે જવા સામે દર્શાવેલી આળસ અને રવિવારની રજામાં મતદાન એ છ મહાપાલિકાના પોશ વિસ્તારમાં મતદાનની ટકાવારી એકંદરે ઘટાડી છે.

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગરમાં ચૂંટણીપંચના છેલ્લા જાહેર થયેલા આંકડા મુજબ તમામ છ મહાપાલિકાનું સરેરાશ મતદાન 43.57% રહ્યું છે. જો કે એક માત્ર જામનગરમાં 52.49% જેવું ઉંચુ મતદાન થયું છે છતાં તે પણ 2015ની ચૂંટણી કરતા ઓછું રહ્યું છે. આ તમામ છ મહાપાલિકામાં ભાજપનું શાસન છે અને તેથી ઓછા ખાસ કરીને ભાજપના કમીટેડ મતદારો પણ મતદાન કરવા બહાર આવ્યા નથી તેથી પક્ષની ચિંતા વધી ગઈ છે તો બીજી તરફ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટાપાયે ઝૂકાવ્યું હતું તેથી ત્રિપાંખીયો જંગ જેવી સ્થિતિ છે અને તેમાં પ્રમાણમાં નીચા મતદાને પરિણામમાં સસ્પેન્સ સર્જયા છે. સુરત એક જ એવું મેગાસીટી બન્યું છે જયાં 2005 બાદનું સૌથી વધુ મતદાન નોંધાયું છે. અહી વિવિધ વિસ્તારોમાં પ્રથમ વખત મતદાર બનેલા ટીનએજર્સ યુવાથી લઈને સીનીયર સીટીઝન સૌ કોઈ મતદાન કરવા આવ્યા હતા અને અહી જૈન સોસાયટીના સભ્યો તેમના પરંપરાગત પૂજાના વસ્ત્રો સાથે મતદાન મથકે પહોંચ્યા હતા.

અમદાવાદ જયાં સૌથી વધુ કસોકસનો જંગ છે તેવું મનાય છે ત્યાં સૌથી ઓછું 39,73% મતદાન જ નોંધાયું છે. જે 2010 બાદનું સૌથી નીચુ મતદાન છે. અહી મુસ્લીમ બહુમતી એરીયામાં આ ચૂંટણીમાં અસદુદીન ઔવેસીનું પક્ષ એઆઈએમઆઈએમએસ પણ મર્યાદીત બેઠકો પર સ્પર્ધામાં છે તેનાથી જંગ વધુ તીવ્ર હશે. ભાજપે અહી એક પણ મુસ્લીમને ટિકીટ નહી આપીને મતોનું ધ્રુવીકરણ કરવા પ્રયાસ કર્યો હતો અને વધુ મતદાન થયા બાદ અમદાવાદ મત આપવા પહોંચેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગુજરાત ભાજપના ‘મેન્ટર’ અમીત શાહે નેતાઓના ફોન ધણધણાવી મતદાન વધારવા માટે સૂચના આપવી પડી હતી.

રાજકોટમાં 50.75% જેવું મતદાન થયું છે જે 2015 કરતા વધુ છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી કોરોના નેગેટીવ જાહેર થયા બાદ કાલે સાંજે મતદાન માટે પહોંચ્યા હતા. રાજયમાં સમગ્ર મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું. ભાજપ અને કોંગ્રેસ બંનેએ વિજયના દાવા કર્યા છે તો આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં રાજયમાં મજબૂત તાકાત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ સમાચારને શેર કરો