Placeholder canvas

વાંકાનેર: સરતાનપરમાં વેપારી પાસે ખરાબાનું ભાડુ માંગી મારામારી

વાંકાનેર :વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં આવેલી ખરાબાની જમીનનો ઉપયોગ કરવા મામલે એ જગ્યાનું ભાંડું માંગતા ડખ્ખો થયો હતો અને ઉશ્કેરાયેલા આઠ શખ્સોના ટોળાએ હાર્ડવેરની દુકાનમાં મારમારી અને તોડફોડ કરીને ધમાલ મચાવી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મનીષભાઇ નરશીભાઇ ભોજાણી (ઉ.વ ૩૫ધંધો- વેપાર રહે- રવાપર રોડ ચીત્રકુટ-૨ હનુમાન મંદીરની બાજુમાં , રામબંધન એપાર્ટમેન્ટ બ્લોક નં૧૦૧, મોરબી) એ આરોપીઓ ગોરધનભાઇ જેશીંગભાઇ, જેશીંગભાઇ (રહે બંને- સરતાનપર તા. વાંકાનેર) તથા અન્ય પાંચ પુરૂષો અને એક મહીલા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા. ૧૪ ના રોજ બપોરના આશરે સાડા બાર વાગ્યાના અરસામાં બનેલા બનાવમાં ફરીયાદી વાંકાનેરના સરતાનપર રોડ ઉપર પોતાની વેપારની જગ્યા સામે આવેલ સરતાનપર ગામની સીમના ખરાબાની જગ્યામાં કોઇ ગંદકી ન થાય તે માટે સાફ સફાઇ કરી વપરાશ કરે છે.

આ જગ્યા બાબતે આરોપીઓએ ફરીયાદી પાસે ભાડુ માંગતા ફરીયાદીએ પંચાયત કહેશે તો ભાડુ આપીશ તેમ જણાવતા બંને આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી સાથે બોલાચાલી તેમજ ઝપાઝપી કરી બાદમાં અન્ય પાંચ પુરૂષો તથા એક મહીલા એમ બધાને સાથે લઇ આવી ફરીયાદી તથા સાહેદો પર હુમલો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ઢીકાપાટુનો માર મારી લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા જેવા હથિયાર વતી ફરીયાદી તથા સાહેદોને મુંઢ ઇજા તથા લોહીફુટ તથા સાહેદ પીનાકીનભાઇને જમણા હાથે ફેકચર જેવી ઇજાઓ પહોંચાડી તેમજ ફરીયાદીની ઓફીસમાં અપપ્રવેશ કરી કાચના દરવાજો તોડી નુકશાન કર્યું હતું.આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો