Placeholder canvas

રાજકોટમાં કલેકટરના ખોટા હુકમો બનાવી કરોડોની સરકારી જમીન વેંચી મારી

મોટામવાની લગડી જેવી જમીનમાં ભૂમાફીયાઓનું કૌભાંડ

રાજકોટમાં વધુ એક લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધાયો છે. જે મુજબ મોટા મવાની લગડી જેવી કરોડોની કિંમતની સરકારી જમીનના ખોટા દસ્તાવેજો બનાવી ભૂમાફીયાઓએ મોટુ કૌભાંડ કર્યાનું ખુલ્યું છે. ભેજાબાજ કૌભાંડકારીઓએ આ જમીન બારોબાર વેચી પણ નાંખી ત્યાં સુધી તંત્રને ગંધ પણ ન આવી. જો કે ખરીદ કરનારને કૌભાંડ અંગે જાણ થઇ જતા કલેકટર કચેરીમાં અરજી કરી હતી અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, તાલુકા મામલતદાર કથિરીયાની ઉંડી તપાસ બાદ સ્ફોટક વિગતો સામે આવતા બે આરોપીઓ સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

રાજકોટ તાલુકા મામલતદાર કે.એમ.કથિરીયા (ઉ.વ.57) રહે.કુવાડવા રોડ, વૃંદાવન એપાર્ટમેન્ટ મૂળ જૂનાગઢએ તાલુકા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા.12 જાન્યુઆરીએ કલેકટર કચેરી ખાતે અરજદાર અશ્ર્વિનભાઇ ધીરૂભાઇ પરસાણાએ એક લેખીત અરજી આપી હતી. જેમાં જણાવાયું હતું કે મોટા મવા સર્વે નં.135/1ની 05 એકર, 9 ગુંઠા જમીનને લગત આવેલી સરકારી ખરાબાના સ.ન.180 પૈકીની જમીન આપવા બાબતે તેની સામે છેતરપીંડી થઇ છે. જે બાબતે તપાસ કરતા અશ્વિનભાઇએ એકાદ વર્ષ પહેલા એટલે કે તા.17/1/2020ના રોજ સર્વે નં.180 પૈકીની જમીન મેળવવા કેતનભાઇ વોરાનો સંપર્ક કર્યો હતો. કેતને તેની મુલાકાત બહાદુરસિંહ નામના વ્યકિત સાથે કરાવી હતી.

બન્ને આરોપીઓએ અશ્વિનભાઈને ઠગવાનો પ્લાન બનાવ્યો અને આ સરકારી જમીન ખેતીના હેતુ માટે અપાવી દેવાની લાલચ આપી હતી. બાદમાં મહેસુલ વિભાગ, કલેકટરના હુકમો, ગામ નમૂના નંબર, મામલતદાર કચેરીના કાગળો, નેશનલ ઈન્ફરમેટિક સેન્ટરના ખોટા દસ્તાવેજો બનાવી ટુકડે ટુકડે અશ્વિનભાઈ પાસેથી રૂ.73,00,000 જેવડી માતબર રકમ પડાવી લીધી હતી. તપાસ રિપોર્ટ કલેકટરને અપાતા તેમને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા આદેશ કર્યો હતો. ફરિયાદના આધારે તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી. ધોળાએ આરોપી બહાદુરસિંહ માનસિંહ ચૌહાણ (રહે. અમરનગર શેરી નં.2 મવડી એરીયા ચંદ્રેશનગર મેઇન રોડ), કેતન ભાઇ વોરા (રહે. સંસ્કાર સી ટી મવડી પાળ રોડ, અમૃત ઓટો ગેરેજ) અને તપાસમાં ખુલે તે વ્યક્તિઓ સામે આઈપીસી કલમ 406, 420, 465, 468, 471, 114, તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020ની કલમ 4(1), 4(2), અને 5(ગ)મુજબ ગુનો દાખલ કર્યો છે. આ મામલે એસીપી ગેડમએ વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓને પકડવા તજવીજ થઇ રહી છે.

આ સમાચારને શેર કરો