ગૃહ મંત્રાલયે સંસદમાં પહેલીવાર કરી જાહેરાત : દેશભરમાં NRCની હાલ કોઈ યોજના નથી.

નવી દિલ્હી : દેશના વિભિન્ન હિસ્સાઓમાં નાગરિકતા કાયદાની વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે ગૃહ મંત્રાલય (MHA)એ સ્પષ્ટ કર્યું છે કે તેમનો રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) લાવવાનો હાલ કોઈ યોજના નથી. આ પહેલી વાર છે જ્યારે સંસદમાં અધિકૃત રીતે આ વાત કહેવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે મંગળવારે લોકસભામાં એક લેખિત જવાબમાં આ જાણકારી આપી. તેઓએ જણાવ્યું કે, હજુ સુધી દેશવ્યાપી એનઆરસીને લઈને સરકારે કોઈ નિર્ણય નથી લીધો.

નોંધનીય છે કે, આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ રાજ્યસભામાં જાહેરાત કરી હતી કે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર પ્રક્રિયાને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. આ દરમિયાન તેઓએ દાવો કર્યો કે ધર્મના આધારે કોઈ ભેદભાવ નહીં થાય. શાહના આ નિવેદન બાદ પૂર્વોત્તરના અનેક રાજ્યોમાં એનઆરસીને લઈને હિંસક વિરોધ પ્રદર્શન થયા હતા. આસામ, ત્રિપુરા અને બંગાળમાં સૌથી વધુ હિંસા થઈ હતી.

એનઆરસીનો અર્થ નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન છે. આ એક એવું રજિસ્ટર છે જેમાં ભારતમાં રહેતા તમામ નાગરિકોની વિગત નોંધાશે. તેની શરૂઆત વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટની દેખરેખમાં આસામમાં થઈ હતી. આસામની હાલની સ્થિતિને જોતાં તેની વ્યવસ્થા કરવામાં આવી હતી. 31 ઑગસ્ટ 2019ના રોજ આસામ એનઆરસીની ફાઇનલ યાદી જાહેર કરવામાં આવી છે. હાલ NRC આસામ સિવાય અન્ય કોઈ રાજ્યમાં લાગુ નથી. હવે ગૃહ મંત્રાલયે એવું પણ કહી દીધું છે કે હાલ એનઆરસી લાવવાની કોઈ યોજના નથી.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •