Placeholder canvas

રાજકોટમાં લોકડાઉન વખતે હિંસા-પથ્થરમારો કરનારા 15 શ્રમિકોને હાઇકોર્ટના જામીન

લોકડાઉન દરમિયાન 17મેનાં રોજ પોલીસ પર થયેલા પથ્થરમારાની ઘટનામાં ગુજરાત હાઇકોર્ટે 15 પરપ્રાંતિય શ્રમિકોને જામીન આપ્યા છે. લોકડાઉન વખતે પોતાના વતન જવા માટે વ્યાકુળ બનેલાં પરપ્રાંતિયો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસ પર પથ્થરમારો કરી વતન જવાની જીદ પકડી હતી. આ ઘટનામાં પોલીસે હત્યાનો પ્રયાસ, લૂંટ, તોફાન (રમખાણ), ટોળે વળવું અને જાહેર મિલકતને નુકશાન તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટનાં ભંગ બદલ ઉપરોકત પરપ્રાંતિય શ્રમિકોની ધરપકડ કરી હતી.

ન્યાયધીશ ગીતા ગોપીએ આ તમામને 1 હજાર રૂપિયાનાં વ્યકિતગત બોન્ડ પર જામીન આપવાનો ચુકાદો આપ્યો હતો. તેમણે નોંધ્યુ કે પોલીસ અને નોડલ ઓફીસર વચ્ચેનાં સંકલનનાં અભાવે આ ઘટનાં બની હતી. જો આ બંને વચ્ચે શ્રમિકોને તેમના વતન પહોંચાડવાને લઇને સંકલન હોત તો આ ઘટના ટાળી શકાય હોત.

શ્રમિકો તરફથી કેસ લડી રહેલાં એડવોકેટ આનંદ યાજ્ઞિકની દલીલ હતી કે શ્રમિકો વિરુધ્ધ નોંધાયેલા ગુનાઓ ઘણા ક્રુર છે અને હકીકતમાં પોલીસ દર્શાવે છે તેવી આ ઘટના આક્રમક પણ ન હતી. આ લૂંટનો કે હત્યાનો કોઇ પ્રયાસ થતો જ ન હતો. શ્રમિકો વતન જવા માટે રેલવે સ્ટેશને પહોંચી ન શકતા ઉશ્કેરાયા હતા.

દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટે નોંધ્યુ કે પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં નિષ્ફળ નિવડી હતી. શ્રમિકોને તેમનાં વતન પહોંચાડવા માટે રાજય સરકાર દ્વારા નિયુકત નોડલ ઓફીસર અને પોલીસ વચ્ચે સંકલનનાં અભાવે આ ઘટના બની હતી.

કોર્ટે સુપ્રિમ કોર્ટના ચુકાદાને ટાંકીને સરકારને પરપ્રાંતિયો વિરુધ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને અન્ય ગુનાઓની ફરિયાદ પરત ખેચવા માટે વિચારણા કરવા જણાવ્યુ હતું. પોલીસ જો પરિસ્થિતિ કાબૂ કરવામાં સફળ રહી હોત તો આ ઘટના ટાળી શકાય હોત.

કોર્ટે આગળ જણાવ્યુ હતું કે શ્રમિકો તરફથી હત્યાનો પ્રયાસ કરવાનો કોઇ ઇરાદો ન હતો આ ઉપરાંત પોલીસ અધિકારીને થયેલી ઇજા પણ તેમનાં જીવ પર જોખમ ઉભી કરતી ન હતી.

ગત મહિને ન્યાયધીશ પરેશ ઉપાધ્યાયે અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિીટયુટ ઓફ મેનેજમેન્ટ બહાર પથ્થરમારો કરવા બદલ ધરપકડ કરાયેલા 33 મજૂરોને છોડી મૂકવાનો આદેશ કર્યો હતો. આ અંગે કોર્ટે જણાવ્યું હતું કે તેઓ ગુનેગાર નહીં પીડીતો છે.

આ સમાચારને શેર કરો