Placeholder canvas

‘ગુલાબ’ વાવાઝોડાની રાજકોટ જિલ્લામાં અસર થવાની શક્યતા, NDRF-SDRFની ટીમ તૈનાત,

ભારે વરસાદની આગાહીના પગલે કલેકટર તંત્ર એલર્ટ, જળાશયોના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા તાકીદ

ગુલાબ વાવાઝોડાની અસર અને બંગાળની ખાડીમાં સર્જાયેલા અપર એર સકયુલેશનના કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેના પગલે રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર એલર્ટ થઈ ગયું છે. જિલ્લાના જળાશયો અને ડેમોના નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર નહીં કરવા માટે લોકોને તાકીદ કરી દેવામાં આવી છે. તેની સાથોસાથ NDRF અને SDRFની ટીમોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. આ ઉપરાંત કર્મચારીઓ અને અધિકારીઓને હેડકવાર્ટર નહીં છોડવા માટે સુચનાઓ કલેકટર તંત્ર આપી દેવામાં આવી છે.

વહીવટી તંત્ર સાવચેતીના પગલા લેવા માટે એલર્ટ
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીના પગલે મેઘરાજાએ આજે સવારથી જ પોતાનું જોર રાજકોટ સહિત સૌરાષ્ટ્ર વિસ્તારમાં શરૂ કરી દીધું છે. સવારથી સતત હળવા ભારે વરસાદના ઝાપટા પડવાનું શરૂ રહેવા પામેલ છે. આ વખતે મેઘરાજાએ મન મુકીને મહેર કરતા મોટા ભાગના જળાશયો ઓવરફલો થવા પામેલ છે. જે બાદ પણ ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘ મહેર શરૂ રહેતા અનેક વિસ્તારો જળબંબાકાર બની જવા પામેલ છે. આ વરસાદના કારણે જાનમાલને નુકસાન ન થાય તે માટે વહીવટી તંત્ર આગમચેતીના પગલા લેવા માટે એલર્ટ થઈ ગયું છે.

ડિઝાસ્ટરની ટીમને એલર્ટ રહેવા આદેશ
વાવાઝોડાંની આગાહીના પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તકેદારીના ભાગરૂપે પગલાં લેવાનું શરૂ કરી દેવાયું છે. જિલ્લા વહીવટી તંત્રએ આકસ્મિક સંજોગો ઊભા થાય તો તે માટે જરૂરી સાધન સામગ્રી તૈયારી કરવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં અમુક સ્થળો પર હળવા વરસાદી ઝાપટાં પડ્યા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં જરૂર પડ્યે રાજકોટથી મદદ મોકલવામાં આવશે. ફાયર વિભાગની ટીમને તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. ગુલાબ વાવાઝોડાના પગલે ડિઝાસ્ટરની ટીમને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યો છે.

આ સમાચારને શેર કરો