રાજકોટ: બહુમાળી ભવનમાં GST અધિકારી લાંચ લેતા પકડાયો

રાજકોટનાં બહુમાળી ભવન સ્થિત જી.એસ.ટી. વિભાગ-10નો એક અધિકારી આજે બપોરે બહુમાળી ભવન ખાતે આવેલી તેની કચેરીમાં જ રીફન્ડનાં એક કેસમાં લાંચ લેતા એસીબીનાં હાથે રંગે હાથ ઝડપાતા બહુમાળી ભવનની તપાસ જીએસટી કચેરીઓનાં કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ મચી ગયો હતો.

આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ એસીબીના પી.આઇ. સરવૈયાને રાજકોટની એક ખાનગી પેઢી દ્વારા ફરીયાદ કરાઇ હતી. જે અનુસંધાને આજે બપોરે 1 કલાકની આસપાસ પી.આઇ. સરવૈયા અને તેની ટીમ રાજકોટ બહુમાળી ભવનમાં ચોથા માળે આવેલી જીએસટીનાં ઘટક-4ના યુનિટ નં.92 કચેરીમાં ત્રાટકયા હતા અને ઇન્ચાર્જ સી.ટી.ઓ (ઇન્ચાર્જ રાજય વેરા અધિકારી વર્ગ-2) મનોજ મનસુખ મદાણી (ઉ.વ.49)ને રીફન્ડના કેસમાં માંગેલી રૂા. 20 હજારની લાંચની રકમ સાથે રંગે હાથે ઝડપી લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે વેટ ઓડીટ આકારણીનાં વર્ષ 2016-17ના કેસમાં ફરીયાદી પેઢીને રૂા.9.70 લાખનું રીફન્ડ લેવાનું થતું હતું. આ રીફન્ડ ઓર્ડર લેવા માટે ઇન્ચાર્જ સી.ટી.ઓ. મદાણીએ રૂા. 20 હજારની લાંચ માંગી હતી અને આ લાંચની રકમ આજે લીધા બાદ મદાણી બપોરે 1 વાગ્યે બહુમાળી ભવનની જીએસટી કચેરીનાં ચોથા માળે રંગે હાથે ઝડપાઇ ગયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જીએસટી વિભાગ-10માં ઉર્ફે ‘ડોકટર’ તરીકે ઓળખાતો મનોજ મદાણી છેલ્લા છ માસ કરતા વધુ સમયથી બહુમાળી ભવનનાં ચોથા માળે આવેલ જીએસટીની ઘટક-4ની કચેરીમાં રાજય વેરા અધિકારી વર્ગ -4ના ચાર્જમાં હતો.

રાજકોટની જ એક પેઢી પાસેથી વેટના વર્ષ ર016-17નાં આકારણીનાં કેસમાં ફરીયાદી પેઢીને રૂા. 9.70 લાખનું રીફન્ડ લેવાનું થતું હતું તેનો ઓર્ડર આપવા માટે રૂા. 20 હજાર માંગ્યા હતા. આ લાંચ આજે બપોરે સ્વીકારતા તે બહુમાળીમાં રંગે હાથ ઝડપાઇ ગયો હતો. એસીબીએ મનસુખ મનોજ મદાણીને ઝડપી લઇ તેની ચોથા માળની ચેમ્બરને સીલ કરી દીધી હતી.દરમ્યાન આ અંગે રાજકોટ જીએસટી વિભાગ 10નાં જે.સી. વી.ડી.ત્રિવેદીએ જણાવેલ હતું કે એસીબીનો રીપોર્ટ આવ્યા બાદ ઇન્ચાર્જ સીટીઓ મદાણીને સસ્પેન્ડ કરવા કાર્યવાહી હાથ ધરાશે.

આ સમાચારને શેર કરો
  • 623
  •  
  •  
  •  
  •  
  •  
    623
    Shares