Placeholder canvas

હેલ્મેટ મુદ્દે સરકારનો યૂ-ટર્ન: સરકારે હાઇકોર્ટેમાં સોગંધનામું રજૂ કર્યુ કે ‘રાજ્યમાં હેલ્મેટ મરજિયાત હતું જ નહીં..!!

ચોથી ડિસેમ્બર, 2019ના સરકારે કહ્યું, હેલ્મેટ મરજીયાત; હવે કહ્યું, ‘પાછળ બેસનારે પણ પહેરવું પડશે’

ગુજરાતની રૂપાણી સરકાર માટે હેલ્મેટનો મુદ્દો એક શરમની વાત બની ગયો છે. પહેલાં જોરશોરથી હેલ્મેટ મરજિયાત હોવાની જાહેરાત રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવી હતી. પણ જેવો જ આ નિર્ણયના વિરોધમાં હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી તો અડધી પીચે રમતાં સીએમ રૂપાણીની સરકાર જાણે કે પાણીમાં બેસી ગઈ હતી. અને તેઓએ અત્યાર સુધીનો સૌથી મોટો યુ ટર્ન લઈ લીધો હતો. રૂપાણી સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરતાં જણાવ્યું કે, રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત જ છે. સરકારે હેલ્મેટ પહેરવાનો મરજિયાત કાયદો બહાર પાડ્યો નથી કે તેના વિશે કોઈ સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું નથી. ઉલ્ટાનું સરકારે એવું કહ્યું કે રાજ્યમાં પિલિયન રાઇડરને એટલે કે પાછળ બેસનારને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે.

રાજ્યમાં હેલ્મેટ મરજિયાત કરવાના સરકારના નિર્ણય સામે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ હતી. અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટની કલમ 129 જોગવાઇ મુજબ દરેક રાજ્યમાં ટુ વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનારને હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. કેન્દ્ર સરકારના ફરજિયાત હેલ્મેટના કાયદામાં ગુજરાત સરકારે રાષ્ટ્રપતિની મંજૂરી લીધા વગર સુધારો કરી દીધો છે તે ગેરબંધારણીય નિર્ણય છે. જે મામલે 28 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ સુનાવણી થઈ હતી. હેલ્મેટ મામલે રાજ્ય સરકારને નોટીસને આપવામાં આવી હતી અને સોગંદનામું રજૂ કરવા આદેશ કરાયો હતો. હેલમેટના કાયદા અંગે સંજયે કહ્યું હતું કે, સરકાર લોકોના સુરક્ષાના મુદ્દે કાયદો હટાવી ન શકે તે માટે હાઈકોર્ટમાં અરજી કરીને વકીલ વગર જાતે જ કેસ લડ્યાં હતાં.

સરકારે હેલ્મેટ મુદ્દે યૂ-ટર્ન લીધો હતો અને કોર્ટમાં સોગંધનામું રજૂ કર્યુ હતું કે સરકારે હેલ્મેટ પહેરવાનો મરજિયાત કાયદો બહાર પાડ્યો નથી કે તેના વિશે કોઈ સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું નથી.

આ સમાચારને શેર કરો