Placeholder canvas

માર્કેટ યાર્ડો ખોલવા સરકારનો આદેશ : સત્તાધીશોની લાલબતી , સેંકડો લોકો ભેગા થઇ જશે

હરરાજી વિના ગમે તેટલો માલ પૂરો પાડવા તૈયારી: યાર્ડ ખોલવા વિશે તંત્ર હવે સરકારનું માર્ગદર્શન માંગી ફેરવિચારણા કરશે

રાજકોટના રીટેલ વેપારીઓ પાસે જીવન જરૂરી ચીજવસ્તુઓની અછત ઉભી થયાના અહેવાલો બાદ રાજકોટ માર્કેટ યાર્ડ ખોલીને વેપારીઓ પાસેથી માલ લઇ રીટેલ વેપારીઓને પહોંચાડવાના મુદ્દે ગઇકાલે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને યાર્ડ સત્તાધીશો સાથે એક બેઠક યોજી હતી. જેમાં માર્કેટ યાર્ડ ખોલવા વાત કરવામાં આવતા યાર્ડ સત્તાધીશોએ એવી સ્પષ્ટતા કરી હતી કે, યાર્ડ ખોલવામાં કોઇ વાંધો નથી પરંતુ હજારો લોકો યાર્ડમાં એકત્ર થશે.

ભારે ભીડભાડ સર્જાશે અને પરિસ્થિતિ વકરશે તો જવાબદારી કોની? જીવન જરૂરી ચીજવસ્તુનો પૂરતો જથ્થો યાર્ડના ગોદામોમાં પડેલો છે. યાર્ડ ખોલ્યા વગર પણ અને હરાજી વગર ગમે તેટલો માલ પૂરો પાડવા તૈયાર છીએ. તેવુ જણાવતાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને સહમતી દર્શાવી આ મુદ્દે સરકારનું માર્ગદર્શન માંગી ફેરવિચારણા કરવામાં આવશે તેવુ જણાવ્યું હતું.

રાજકોટ શહેરમાં કોરોનાનો એક પોઝીટીવ કેસ 8 દિવસ પહેલા બહાર આવ્યો હતો. ત્યારબાદ છેલ્લા બે દિવસમાં કોરોનાના ત્રણ પોઝીટીવ કેસ સામે આવતાં રાજકોટ શહેરમાં ચાર પોઝીટીવ કોરોનાના દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અગાઉ રાજય સરકારે 31 માર્ચ સુધીનું લોકડાઉન જાહેર કર્યુ હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 21 દિવસનું લોકડાઉન અમલી કરતાં હવે રાજકોટ શહેર જિલ્લામાં 14 એપ્રિલ સુધી તમામ વેપાર ધંધા-દુકાનો બંધ રાખવામાં આવનાર છે.

જીવન જરૂરી ચીજવસ્તુઓની અછત ઉભી થઇ છે. રીટેલ વેપારીઓ પાસે ઘંઉ-ચોખા, દાળ-તેલ સહિતની ચીજવસ્તુઓ ખતમ થવા આવી છે. તેવી ફરિયાદ સામે આવતાં જથ્થાબંધના વેપારીઓ પાસેથી આવો માલ લઇને રીટેલ વેપારીઓને આપવા માટે યાર્ડના સત્તાધીશો સાથે જિલ્લા કલેકટરે ગઇકાલે બેઠક યોજી હતી. રાજકોટ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા સહિતના આગેવાનોએ જિલ્લા કલેકટર સાથે ચર્ચા કરીને યાર્ડ ખોલવા માટે કોઇ વાંધો નથી પરંતુ 500 જેટલા વેપારીઓ, દલાલો, મજૂરો, ટ્રક ચાલકો સહિતના હજારો લોકો યાર્ડમાં એકત્ર થશે અને મોટી ભીડ જમા થાય ત્યારે કોરોના વાયરસ ફેલાવાની ભીતિ વધુ ઉભી થાય તેમ છે.

આ સંજોગોમાં લોકડાઉનનો પણ ભંગ થાય તદઉપરાંત 144ની કલમ અમલી હોય, જાહેરનામા ભંગની પણ ફરિયાદ થાય છે. યાર્ડ ખોલ્યા વગર રીટેલ વેપારીઓને જેટલો જથ્થો જોઇએ તેટલો હરાજી વગર વેપારીઓ રીટેલ વેપારીઓને માલ આપવા માટે તૈયાર છે. શહેર અને જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓની અછત ઉભી થઇ શકે તેમ નથી. તમામ ચીજવસ્તુઓનો પુરતો જથ્થો છે. આવુ જણાવતાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને યાર્ડ સત્તાધીશો સાથે સહમત થઇને એવુ જણાવ્યું હતું કે યાર્ડ ખોલવા વિશે આપની વાત સાચી છે. હવે આ મુદ્દે રાજય સરકાર સાથે વાતચીત કરીને માર્ગદર્શન માંગવામાં આવશે.

દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓની કોઇ અછત ઉભી ન થાય તે માટે યાર્ડ સત્તાધીશોએ તમામ સહકાર આપવા તૈયારી બતાવી છે. જો જિલ્લા કલેકટર તંત્ર જથ્થાબંધ વેપારીઓને પાસ આપે અને ટ્રાન્સપોર્ટ સંચાલકોને જરૂરી વ્યવસ્થા અને પોલીસ પ્રોટેકશન પુરૂ પાડે તો યાર્ડના વેપારીઓ છુટક વિક્રેતાઓને જોઇતી તમામ ચીજવસ્તુઓ પૂરી પાડી શકે તેમ છે. હાલમાં જીવન જરૂરી ચીજવસ્તુની કોઇ અછત નથી અને યાર્ડના ગોદામો તમામ વસ્તુઓથી ભરેલા છે. આ સંદર્ભે રાજય સરકારને પણ ઘ્યાન દોરવામાં આવશે. યાર્ડ ખોલ્યા વગર પણ જીવન જરૂરી ચીજવસ્તુઓની અછત ન થાય તે માટે યાર્ડ સત્તાધીશો જરૂરી સહયોગ વહિવટી તંત્ર આપે તેમ ઇચ્છી રહ્યું છે. તેવુ યાર્ડ સત્તાધીશોએ અંતમાં ઉમેર્યુ હતું.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો